વડોદરામાં કામવાળી મહિલાએ ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વૃદ્ધ પાસે 10 લાખની માંગણી કરી

એકલવાયું જીવન જીવતાં સિનિયર સિટીજનને કામવાળીની જાહેરાત આપવી ભારે પડી!

MailVadodara.com - A-working-woman-in-Vadodara-demanded-10-lakhs-from-an-old-man-after-threatening-to-implicate-him-in-a-false-rape-case

- સિનિયર સિટીઝન પાસેથી 10 લાખની માગણી કરી 50 હજાર પડાવ્યા

- અવારનવાર રૂપિયાની માંગણી કરતા વૃદ્ધે કામવાળી મહિલા સહિત 4 સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, કામવાળી મહિલાની ધરપકડ


વડોદરા શહેરમાં ઘરમાં કામ કરતી મહિલા સહિત 4 શખસે ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સિનિયર સિટીઝન પાસેથી 10 લાખ રૂપિયાની માગણી કરીને 50 હજાર પડાવ્યા હતા. આ મામલે સિનિયર સિટીઝને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નીકલ સોર્સના આધારે કામવાળી મહિલાને ઝડપી પાડી અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા 76 વર્ષીય સિનિયર સિટીઝને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો દીકરો અબુધાબીમાં રહે છે. મારી પત્નીનું મૃત્યું થયું છે અને હું એકલવાયું જીવન જીવું છું. મારે ત્યાં કામ કરતા બહેન બિમાર હોવાથી મારા ઘરનું કામ છોડી દીધું હતું. જેથી મેં પેપરમાં જાહેરાત આપી હતી કે, ઘરકામ માટે એક બહેન જોઇએ છે. જો કે, આ દરમિયાન મારે ત્યાં કામ કરતા જૂના બહેન કામ માટે પરત આવી ગયા હતા. જો કે, પેપરમાં જાહેરાત જોઈને થોડા દિવસ પછી અન્ય એક મહિલા મારા ઘરે આવી હતી. મારા ઘરે જૂના બહેન કામ કરતા હોવાથી મેં કામ માટે ના પાડી હતી. જાેકે તે મહિલાએ તેનો મોબાઇલ નંબર આપી મને કહ્યું હતું કે, ક્યારેક કામ હોય તો તમે મને કહેજો.

થોડા દિવસો બાદ મારે ત્યાં કામ કરતા બહેન બિમાર થયા હતા, જેથી મેં કામ માટે તે મોબાઇલ નંબર આપનાર મહિલાને ઘરકામ માટે જણાવ્યું હતું. ત્યારબાદ 13 જૂનના રોજ બપોરે પોણા ત્રણ વાગ્યે ઉપરાછાપરી ડોરબેલ વાગતા મેં દરવાજો ખોલ્યો હતો. આ સમયે ત્યાં 2 મહિલાઓ અને એક પુરુષ હાજર હતા. તેઓએ મને કહ્યું હતું કે, તમારા ઘરમાં જે બેન છે તેમને બોલાવો. આ દરમિયાન મારા ઘરમાં કામ માટે આવેલ મહિલા કઢંગી હાલતમાં બહાર આવી હતી અને બહાર આવેલા માણસોને કહ્યું હતું કે, મેં તેની છેડતી અને ખરાબ કામ કરેલ છે તેવા ખોટા આક્ષેપો કર્યાં હતા.


ત્યારબાદ બહાર આવેલા લોકોએ મને જણાવ્યું હતું કે, તમે ઘરકામના બહાને લેડીઝને બોલાવી આવા ખોટા કામ કરો છો, તેમ કહીને મને બદનામ કરવા લાગ્યા હતા. ત્યારબાદ મેં તેમને સમજાવ્યા હતા કે, હું વયોવૃદ્ધ છું, મેં ખરેખર કોઇ ખોટું કામ કર્યું નથી અને તમે બધા મારી ઉપર ખોટા આક્ષેપ કરો છો, તેમ કહેવા છતાં તેઓ માન્યા નહોતા અને મને કહ્યું હતું કે, તમે કામવાળી મહિલા સાથે ખોટું કામ કર્યું છે, જેથી અમે તમને ખોટા કેસમાં ફસાવી બદનામ કરી નાખીશું. તેવી ધમકી આપ્યા બાદ રકઝક કર્યાં બાદ તમારે અમને 10 લાખ રૂપિયા આપવા પડશે તેમ મને જણાવ્યું હતું. જેથી મેં રૂપિયા આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જેથી ચારેય જણાએ દોઢ લાખ રૂપિયા માંગણી કરી હતી. જેથી મેં તેઓને કહ્યું હતું કે, મારી પાસે હાલ ફક્ત 50 હજાર રૂપિયા છે. જેથી મારી પાસેથી 50 હજાર રૂપિયા બળબજરીથી કઢાવીને તેઓ જતા રહ્યા હતા. ત્યારબાદ બીજા જ દિવસે 14 જૂને ફરીથી આ લોકો મારી પાસે રૂપિયા લેવા માટે આવ્યા હતા. જાેકે આ સમયે મારા મિત્રને મારા ઘરે જાેતા તેઓ જતા રહ્યા હતા. ત્યારબાદ અરવિંદબાગ ખાતે પણ બે મહિલાઓ મારી પાસે રૂપિયાની ઉઘરાણી કરવા માટે આવી હતી. આમ 50 હજાર રૂપિયા લઇ ગયા પછી પણ અવારનવાર રૂપિયાની માંગણી કરતા મેં આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચારેય સામે ફરિયાદ નોંધાવી છે.

સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હ્યમુન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સ ના આધારે તપાસ હાથ ધરી ખોટા રેપ કેસમાં ફસાવી ધમકીઓ આપી આધેડ પાસેથી રૂપિયા પડાવનાર અને ફતેગંજ વિસ્તારમાં રહેતી ઘરકામ કરતી મહિલાને ઝડપી પાડી તેની પુછપરછ કરી અન્ય ત્રણ આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments