- મહિલાને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કર્યાં
રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાએ તારાજી સર્જી છે ત્યારે વડોદરા શહેર નજીક ધનીયાવી ગામ પાસે આવેલ સૂર્યનગરમાં દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું છે. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેર નજીક આવેલ ધનિયાવી પાસે સૂર્યનગરમાં રહેતા પ્રેમિલાબેન માનસિંગભાઈ સોલંકી આજે સવારે 8.30 વાગ્યાની આસપાસ ભેંસોને ચારો નાખવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક બાજુના ખેતરની દિવાલ ભારે પવનના કારણે ધરાશાયી થઈ ગઇ હતી. જેને પગલે પરિવારજનો દોડી ગયા હતા અને દિવાલ ધરાશાયી થતાં મહિલા પ્રેમીલાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેઓને તુરંત જ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. મહિલાના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. મહિલાના પરિવારમાં પતિ, 3 દિકરી અને એક દિકરો છે.
મૃતક મહિલાના પાડોશી લક્ષ્મણ ખટીકે જણાવ્યું હતું કે, વાવાઝોડાની સ્થિતિને પગલે આજે સવારે 8.30 વાગ્યાની આસપાસ ભારે પવન ફૂંકાઇ રહ્યો હતો. આ સમયે મહિલા પ્રેમિલાબેન ભેંસને ઘાસચારો નાખવા માટે ગયા હતા. આ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં તેઓ દિવાલ નીચે દબાઇ ગયા હતા. તેમને બહાર કાઢીને 108 એમ્બ્લુયન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
મૃતકના પાડોશી જનક વાળંદે જણાવ્યું હતું કે, ખેતરની દિવાલ પહેલેથી જ નમી ગયેલી હતી અને આ બાબતે અમે વારંવાર ખેડૂતને રજૂઆતો કરી હતી. તેમ છતાં કોઇ દિવાલ બાબતે કોઇ કામગીરી કરી નહોતી અને આજે દિવાલ પડતા મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.