વડોદરા નજીક કોટાલી ગામના ખેતરમાંથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમે 6.5 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું

ખેતરમાં આવી ગયેલા મગરને જોવા ગામના લોકો આવી ટોળે વળ્યાં હતા

MailVadodara.com - A-wildlife-rescue-team-rescued-a-6-5-feet-long-crocodile-from-a-farm-in-Kotali-village-near-Vadodara

- મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગના સોંપાયો


વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી રાત્રિના સમયે મગરો બહાર આવી જવાના એક પછી એક બનાવ બની રહ્યા છે, ત્યારે વડોદરા નજીક કોટાલી ગામના ખેતરમાં આવી ચડેલા સાડા છ ફૂટ લંબાઈના મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

મળેલી માહિતી પ્રમાણે, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવારને રાત્રે વડોદરા પાસે આવેલા કોટાલી ગામના સરપંચ કનુભાઈ રબારીએ ફોન કરી ખેતરમાં મગર હોવાની માહિતી આપી હતી. જે માહિતીના આધારે સંસ્થાના કાર્યકર અરૂણ સૂર્યવંશી, સમીર રાજપુત અને વડોદરા વન વિભાગના અધિકારી જીગ્નેશ પરમારને લઈને ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. ટીમ સ્થળ ઉપર પહોંચતા સાડા છ ફૂટનો મગર ખેતરમાં જોવા મળ્યો હતો. ટીમ દ્વારા આ મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગના સોંપવામાં આવ્યો હતો. ખેતરમાં આવી ગયેલો મગર નજીકના કોતરોમાંથી ધસી આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. મગરને જોવા લોકો આવી પહોંચ્યા હતા.


બનાવ અંગે કાર્યકર અરવિંદ પવારને જાણ કરાતા તેમણે ટીમ રવાના કરી મગર રેસ્ક્યુ કરાવ્યું હતું. જીવદયા કાર્યકરનું કહેવું છે કે, પૂરના પાણી ઓસરી ગયા બાદ મગર પોત પોતાની જગ્યાએ પાછા ફરવા માટે સ્થળાંતર કરતા હોય છે. જેને કારણે આ પ્રકારના બનાવ બની રહ્યા છે. આ દરમિયાનમાં ડભોઇ રોડ પર પણ બે દિવસ પહેલા એક મગર કોઈ વાહનની અડફેટમાં આવી જતા ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, શહેરમાં લાલબાગ વિશ્વામિત્ર બ્રિજ પાસે બે દિવસમાં બે મહાકાય મગર મળી આવ્યા હતા. જ્યારે બીલ અને દેવપુરા વિસ્તારમાં પણ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 

Share :

Leave a Comments