- ગોત્રી યસ કોમ્પલેક્સ પાસે મુખ્ય માર્ગ પર જ પાણીની લાઈનમાં સર્જાયેલા ભંગાણના કારણે એક તરફનો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી હતી!
શહેરના ગોત્રી રોડ ઉપર યસ કોમ્પ્લેક્સ પાસે આજે સવારે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા રોડ ઉપર લાખો લીટર પાણી વહી ગયું હતું. પાણીની લાઈનમાં સર્જાયેલા ભંગાણના કારણે 1 લાખ લોકોને અસર પહોંચી હતી. બહાર નીકળી રહેલા પાણીના ધોધ પાસે તંત્રને બેરિકેટ લગાવી દેવાની ફરજ પડી હતી. રોડ પર પાણી ફરી વળતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.
વડોદરા મહાનગર સેવાસદનના ઇજારદારો દ્વારા પાણીની લાઈનની આડેધડ કરવામાં આવતી કામગીરીના કારણે અવારનવાર પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાતું હોય છે. ત્યારે આજે વધુ એક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ગોત્રી વિસ્તારમાં લોકોને પાણીના વલખાં મારવાની ફરજ પડી હતી. આજે સવારે પાણીની મુખ્ય લાઈનમાં સર્જાયેલા ભંગાણના કારણે પાણીનો ધોધ વહેવા લાગ્યો હતો અને રોડ ઉપર જોતજોતામાં પાણી ફરી વળ્યા હતા. એક તબક્કે ચોમાસા જેવો માહોલ થઇ ગયો હતો.
ગોત્રી યસ કોમ્પલેક્સ પાસે મુખ્ય માર્ગ ઉપર જ પાણીની લાઈનમાં સર્જાયેલા ભંગાણના કારણે એક તરફનો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી હતી અને તંત્રને જમીનમાંથી નીકળી રહેલા પાણીના ધોધ પાસે બેરિકેટ લગાવી દેવાની ફરજ પડી હતી. પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસના વિસ્તારોના લોકોને વહેલી સવારનું પાણી ઓછા પ્રેશરથી મળ્યું હતું. અંદાજે આ વિસ્તારના 2 લાખથી વધુ લોકોને ઓછા પ્રેશરથી પાણી મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળેલી માહિતી પ્રમાણે, આજે સવારે પાણીની લાઈનમાં સર્જાયેલા ભંગાણના કારણે પાણી ન મળતા લોકોને દિવસ પસાર કરવો મુશ્કેલ થઈ ગયો હતો. જો કે, પાલિકા દ્વારા આ પાણીની લાઈન પૂર્વવત કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આજે સાંજ સુધીમાં આ કામગીરી પૂર્ણ થયા બાદ લોકોને પુનઃ પાણીનો પુરવઠો મળી રહે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી કક્ષાની કામગીરી કરવાને કારણે અવારનવાર પાણી ડ્રેનેજની લાઈનોમાં ભંગાણ પડતા રહે છે. એટલું જ નહીં યોગ્ય રીતે માટી પુરાણ કરતા નહીં હોવાથી અનેક વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ઠેર-ઠેર ભૂવા પડ્યા હતા.