વડોદરાના ભાયલી વણકરવાસ વિસ્તારના એક મકાનમાંથી 10 હજારની ચોરી કરનાર ઝડપાયો

સ્થાનિક લોકોએ નસેડી ચોરનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો

MailVadodara.com - A-thief-of-10-thousand-was-caught-from-a-house-in-Bhayli-Vankarwas-area-of-Vadodara

- રોષે ભરાયેલા સ્થાનિક યુવાનોએ મેથીપાક આપતા નશાખોર યુવાને ચોરી કર્યાની કબૂલાત કરી


શહેર નજીક ભાયલી વણકરવાસના મકાનમાંથી ડબ્બામાં મૂકેલા રૂપિયા 10 હજાર રોકડની ચોરી કરનાર યુવાનને સ્થાનિક લોકોએ ઝડપી પાડી લાફાવાળી કરી હતી. નશામાં ધૂત યુવાન ચોરને લોકોએ તાલુકા પોલીસના હવાલે કર્યો હતો. સ્થાનિક લોકોએ નસેડી ચોરનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. તાલુકા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલી માહિતી પ્રમાણે ભાયલી વણકરવાસમાં કાશીબહેન છીતાભાઇ પરમાર પરિવાર સાથે રહે છે. તા. 4 સપ્ટેમ્બરના રોજ રાતના સમયે કાશીબહેન પરમારના મકાનમાં નશામાં ધૂત એક યુવાન ઘૂસી ગયો હતો અને કાશીબહેને રૂપિયા 10 હજાર મૂકેલ ડબ્બાની ચોરી કરીને ઘરની બહાર નીકળી રહ્યો હતો.

આ દરમિયાન કાશીબહેન પરમાર રોકડ રકમ મૂકેલ ડબ્બો લઇને ઘરની બહાર નીકળી રહેલા નશામાં ધૂત યુવાનને જોતા બુમરાણ મચાવી મૂકી હતી. આ બૂમો સાંભળી ફળિયામાં રહેતા યુવાનો દોડી આવ્યા હતા અને ડબ્બા સાથે નશામાં ધૂત યુવાનને ઝડપી લીધો હતો અને લાફાવાળી કરી હતી. સ્થાનિક લોકોની તપાસમાં ચોરી કરનારનું નામ સ્મિત ઉર્ફ સોનુ ભાવસાર હોવાનું બહાર આવ્યું હતું.


ઘરમાંથી રૂપિયા 10 હજાર મૂકેલા ડબ્બાની ચોરી કરનારે નશાની હાલતમાં પોતે ચોરી કરી ન હોવાનું રટણ કરતો હતો. જેથી, રોષે ભરાયેલા સ્થાનિક યુવાનોએ મેથીપાક આપતા નશાખોર યુવાને ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ બનાવને પગલે ફળિયાના લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. આ બનાવે ગામમાં ચકચાર જગાવી મૂકી હતી.

આ દરમિયાન રૂપિયા 10 હજાર રોકડની ચોરી કરતા ઝડપાયેલા યુવાનને તાલુકા પોલીસના હવાલે કરી દેવાયો હતો. તાલુકા પોલીસે ચોરી કરતા રંગે હાથ ઝડપાયેલા સ્મીત ઉર્ફ સોનુ ભાવસાર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોરી કરતા ઝડપાયેલો સ્મિત ઉર્ફે સોનુ રીઢો ચોર નથી પરંતુ, નશાનો આદી પોતાની નશાની લત પૂરી કરવા માટે ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.

Share :

Leave a Comments