- મહત્ત્વના ત્રણ હોદ્દા માટે મહત્વાકાંક્ષી કાઉન્સિલરોએ એડીચોટીનું જોર લગાવી દીધું, દરેક હોદ્દા માટે ત્રણ નામોની પેનલ બનાવી પ્રદેશમાં સોંપાશે : નિરીક્ષક
વડોદરાનો સર્વાંગી વિકાસ થાય તેવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેનની નિમણૂક કરવા માટે પ્રદેશ નિરીક્ષકોની ટીમ વડોદરા ખાતે આવી પહોંચી હતી. ભાજપા કાર્યાલય ખાતે ત્રણ સભ્યોની નિરીક્ષક ટીમ દ્વારા સવારથી એક પછી એક વોર્ડના કાઉન્સિલરોના અભિપ્રાયો લેવાની શરૂઆત કરી હતી. કેટલાંક કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે, આ સેન્સ પ્રક્રિયા માત્ર નાટક છે, ત્રણે હોદ્દા માટેના નામ નક્કી જ હોય છે.
વડોદરાના લોકોએ વડોદરા મહાનગર સેવા સદનનો વહીવટ ભાજપાના હાથમાં સોંપ્યો હતો, પરંતુ પાંચ વર્ષના સમયગાળાના પ્રથમ અઢી વર્ષમાં પાણીમાં ગયા છે. ત્યારે આગામી 9 સપ્ટેમ્બરે પ્રથમ અઢી વર્ષના વર્તમાન મેયર નિલેષ રાઠોડ, ડેપ્યુટી મેયર નંદાબહેન જોષી અને સ્થાયી સમિતીના ચેરમન ડો. હિતેન્દ્ર પટેલની મુદ્દત પૂરી થઇ રહી છે. મહત્ત્વના આ ત્રણ હોદ્દા માટે મહત્વાકાંક્ષી કાઉન્સિલરોએ પોતાનું એડીચોટીનું જોર લગાવી દીધું છે.
વડોદરાને આગામી અઢી વર્ષ માટે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેન આપવા માટે કાઉન્સિલરોનો અભિપ્રાય જાણવા માટે પ્રદેશ નિરીક્ષકો પૂર્વ સાંસદ દિપક સાથી, ધારાસભ્ય રાકેશ શાહ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબહેન પટેલ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. સયાજીગંજ મનુભાઇ ટાવર સ્થિત ભાજપા કાર્યાલય ખાતે એક પછી એક વોર્ડના કાઉન્સિલરો, પ્રભારીઓને બોલાવી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટેના અભિપ્રાયો લીધા હતા.
મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી ચેરમેન માટે સેન્સ આપનાર અને સેન્સ આપવા માટે આવેલા કેટલાંક કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે, વડોદરાને સ્વચ્છ પ્રતિભાવાળા, શિક્ષીત અને વડોદરાનો સર્વાંગી વિકાસ કરી શકે તેવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ સમિતીના ચેરમેન મળે તેવી અમે લાગણી વ્યક્ત કરીએ છે. જોકે, ભાજપા દ્વારા સેન્સ લેવાની જે પ્રક્રિયા છે તે માત્ર દેખાડો છે. વડોદરાને કયા મહિલા મેયર આપવા, કોણે ડેપ્યુટી મેયર બનાવવા અને કોણે સ્થાયી સમિતીના ચેરમેન બનાવવા તે નક્કી જ હોય છે.
કોર્પોરેશનમાં બાકીના અઢી વર્ષ માટે સામાન્ય મહિલા માટે અનમત છે. ત્યારે વડોદરાના પ્રથમ નાગરીક બનવા માટે મહિલા કાઉન્સિલરોનો રાફડો ફાટ્યો છે. તેજ રીતે કોર્પોરેશનની મહત્વની જગ્યા મનાતી સ્થાયી સમિતીના ચેરમેન માટેના હોદ્દા માટે પણ કાઉન્સિલરોએ લોબિંગ શરૂ કરી દીધું છે. વડોદરા એક ધારાસભ્ય દ્વારા સ્થાયીના ચેરમેન અથવા મેયર પદમાંથી એક હોદ્દો પોતાના અંગત કાઉન્સિલરને અપાવવા માટે કસરત કરી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
મેયરની રેષમાં ડેપ્યુટી મેયર નંદાબહેન જોષી, સ્નેહલબહેન પટેલ, સંગીતાબહેન ચોક્સી તેમજ પૂર્વ મેયર અને એક ધારાસભ્યના અંગત મનાતા હેમીશા ઠક્કરના નામો ચર્યાઇ રહ્યા છે. જ્યારે ડેપ્યુટી મેયરની રેષમાં શૈલેષ પાટીલ, ઘાનશ્યામ પટેલ, ડો. રાજેશ શાહ અને મહાવિર રાજપુરોહીતના નામો ચર્ચાઇ રહ્યા છે. કોર્પોરેશનની મલાઇદાર ગણાતી સ્થાયી સમિતીના ચેરમેન માટે મનોજ પટેલ (મચ્છો), ચિરાગ બારોટ, એક ધારાસભ્ય દ્વારા પ્રયત્નો કરી રહેલા અજીત દધીચ અને ડો. શિતલ મિસ્ત્રીના નામો ચર્યાઇ રહ્યા છે. જોકે, ભાજપા મોવડી દ્વારા ડો. હિતેન્દ્ર પટેલને રિપીટ પણ કરવામાં આવે તો નવાઇ નહીં.
નિરીક્ષક દિપક સાથી (પેટલ)એ જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશનમાં પ્રથમ અઢી વર્ષની મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેનની ટર્મ પૂરી થઇ રહી છે. 15 સપ્ટેમ્બર પહેલાં વડોદરાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેન આપવા માટે કાઉન્સિલરોનો અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. દરેક હોદ્દા માટે ત્રણ નામોની પેનલ બનાવવામાં આવશે અને પ્રદેશમાં સોંપવામાં આવશે. તે બાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નામો નક્કી કરવામાં આવશે. અને જે દિવસે ચૂંટણી યોજાશે તે દિવસે જે તે હોદ્દા માટેના નામની જાહેરાત કરવામાં આવશે.
કેટલાંક ભાજપા કાઉન્સિલરો જણાવી રહ્યા છે કે, આ સેન્સ પ્રક્રિયા માત્ર દેખાડો છે. ત્રણે હોદ્દા માટે નામો તૈયાર થઇ ગયા છે. તેવા એક પ્રશ્નના જવાબમાં નિરીક્ષક દિપક સાથી (પટેલ)એ જણાવ્યું હતું કે, આ વાત ખોટી છે. દરેક કાઉન્સિલરનો અભિપ્રાય લેવામાં આવે છે. તેમના અભિપ્રાયથીજ મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેનના નામો નક્કી કરવામાં આવશે.