- આર્ટ્સ ફેકલ્ટીમાં સુરક્ષા અને મેઇન્ટેનન્સના નામે મીંડુ, વારંવાર રજૂઆતો કરવા છતાં પણ મેનેજમેન્ટ મેઇન્ટેનન્સ પર ધ્યાન આપતું નથી
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં રૂમ નં-18માં ચાલુ પરીક્ષાએ પરીક્ષા ખંડમાં પંખી તૂટીને નીચે પડતા સુપરવાઇઝર ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને તુરંત જ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં આજે કોમર્સની પરીક્ષા ચાલી રહી હતી, તે દરમિયાન પીએચડીના સ્ટુડન્ટ ગીરીશ બામણીયા રૂમ નં.18માં સુપરવિઝન કરી રહ્યા હતા, તે દરમિયાન પરીક્ષા ખંડમાં છત પર લાગેલો પંખો ચાલુ હતો અને અચાનક ચાલુ પંખો છત પરથી તૂટી ગીરીશ બામણીયા પર પડતા તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે સચાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. એમ.એસ.યુનિવર્સિટીમાં આવી ઘટનાઓ વારંવાર બનતા હવે ફેકલ્ટીના ક્લાસ રૂમમાં પણ હેલ્મેટ પહેરીને બેસવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આર્ટસ ફેકલ્ટીના એસયુ ગ્રુપના વિદ્યાર્થી નેતા પ્રિન્સ રાજપૂતે જણાવ્યું હતું કે, આવી ઘટના પહેલી વખત નથી બની. આ પહેલા પણ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં ચાલુ પરીક્ષા વિદ્યાર્થિની પર પંખો પડ્યો હતો અને તેને હોસ્પિટલમાં લઇ જવી પડી હતી અને તે પરીક્ષા આપી શકી નહોતી. તેવી જ ઘટના આજે ફરીથી બની છે. આર્ટ્સ ફેકલ્ટીમાં પરીક્ષા રૂમ નં-18માં ચાલી રહી હતી, તે સમયે પીએચડીના સ્ટુડન્ટ ગીરીશ બામણીયા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે એમની ઉપર પંખો પડ્યો હતો. જેથી તેમને તુરંત જ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આર્ટ્સ ફેકલ્ટીમાં સુરક્ષા અને મેઇન્ટેનન્સના નામે મીંડુ છે. મેનેજમેન્ટ કંઇ રહ્યું નથી. આવા સમયે ડીનને આવવું જોઇએ અને સર્વે કરવો જોઇએ. સ્થળ પર કેવી પરિસ્થિતિ છે, તે જોવું જોઇએ. જાેકે તેઓ માત્ર ફોન પર જ બધુ હેન્ડલ કરે છે. આ પહેલા પણ અમે ડીનને રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ મેનેજમેન્ટ મેઇન્ટેનન્સ પર ધ્યાન આપતું નથી, જેનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે ત્યારે ડીને મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની એક મીટીંગ બોલાવી જોઈએ અને તમામ વર્ગખંડો કે જ્યાં આવી હાલત છે, ત્યાં જઈને રૂબરૂ જોઈ કામ કરાવવા તસ્દી લેવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ચાલુ પરીક્ષાએ પંખો પડવાની ઘટના બની ચૂકી છે. આવી દુર્ઘટનાઓ બાદ પણ યુનિવર્સિટી તંત્ર જાણે ઊંઘતુ ઝડપાયું છે અને ફરીથી ચાલુ પરીક્ષાએ પરીક્ષા ખંડમાં પંખો પડવાની ઘટના સામે આવી છે.