- સવારે બનેલી આ ઘટનામાં છત ઉપર લટકાવેલા સિલિંગ ફેન સાથે સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો
- મકાનોના બાંધકામોની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલા સરકારી આવાસો પૈકીના એક મકાનના છતનો એક ભાગ સિલિંગ ફેન સાથે તૂટી પડતા 42 વર્ષની એક મહિલાને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ બનાવને પગલે સરકારી આવાસ યોજનાના મકાનોમાં રહેતા રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં સરકારી આવાસ યોજનાના મકાનોમાં આવેલા છે. વર્ષો જૂના મકાનોમાં તંત્ર દ્વારા કે મકાનોમાં રહેતા માલિકો દ્વારા સમારકામ કરવામાં આવતું ન હોવાના કારણે અવારનવાર જર્જરિત મકાનના કાંગરા તૂટી જવાની અથવા પેરાફીટ તૂટી જવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આજે સવારે વધુ એક મકાનનો સ્લેબ તૂટી જવાની ઘટના બની હતી.
બાપોદ વિસ્તારમાં પાણી ટાંકી પાસે શહેરી ગરીબો માટે મકાનો બાંધવામાં આવ્યા હતા. અહીં 260 મકાનો છે, અને 13 ટાવર છે. જેનું પઝેશન વર્ષ 2016 માં આપવામાં આવ્યું હતું. લોકો અહીં રહેવા આવ્યાને હજું માંડ છ વર્ષ જ થયા છે, ત્યાં આજે સવારે બનેલી આ ઘટનામાં છત ઉપર લટકાવેલા સિલિંગ ફેન સાથે સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. તે દરમિયાન સિલિંગ ફેનની નીચે બેઠેલી મકાન માલિક મહિલાને માથામાં અને પગમાં ઇજાઓ પહોંચી હતી.
સ્લેબ પડવાનો અવાજ આવતાની સાથે જ આવાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ થઈ ગયેલી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પરંતુ, આ બનાવે જર્જરિત થઈ ગયેલા સરકારી આવાસોમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. કોર્પોરેશન દ્વારા શહેરી ગરીબો માટે વિવિધ વિસ્તારોમાં બનાવેલા મકાનોના બાંધકામોની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે.
ઉલ્લેખનીય બાબત એ છે કે, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારી આવાસો આવેલા છે. વર્ષો જૂના આ સરકારી આવાસોમાં તંત્ર દ્વારા તેમજ આવાસોમાં રહેતા લોકો દ્વારા સમયાંતરે સમારકામ કરવામાં આવતું ન હોવાના કારણે જર્જરીત થઈ ગયેલા આવાસોના પરિવારજનો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ત્યારે તંત્ર અને આવાસોમાં રહેતા લોકો દ્વારા આ બાબતે ગંભીરતા દાખવવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
સ્થાનિક લોકોમાંથી મળેલી માહિતી પ્રમાણે આ આવાસ યોજનાઓના મકાનોમાં અનેક મકાનો જર્જરિત થઈ ગયા છે સ્લેબના સળિયા પણ દેખાઈ રહ્યા છે અને મકાનોમાં મોટી તિરાડો પણ પડેલી છે. કેટલાક મકાનોની પેરાફીટ પણ તૂટી ગયેલી હોવા છતાં પણ સમારકામ કરાવવામાં આવતું નથી. આ ઉપરાંત ટાઇલ્સો ઉખડી જવી, બારી બારણા તૂટી જવા, છતમાંથી પાણી લીકેજ થવું વગેરે પ્રશ્નો અંગે અવારનવાર રજૂઆતો થઈ છે. અહીંના એક રહેવાસીએ જણાવ્યું હતું કે, આ મકાનોના પ્રશ્નો અંગે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ આવતું નથી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2023- 24 નું બજેટ રજૂ કરાયું તેના પર વિરોધ પક્ષ દ્વારા જે દરખાસ્ત મુકવામાં આવી હતી, તેમાં એક દરખાસ્ત કોર્પોરેશન દ્વારા નુર્મ, મુખ્યમંત્રી આવાસ યોજના, રાજીવ આવાસ તથા શહેરી ગરીબો માટેના જે મકાનો બનાવેલા છે, તેના મેન્ટેનન્સ માટે એક કરોડનું બજેટ ફાળવવા સૂચન પણ કરવામાં આવ્યું હતું.