શહેરના ગાંધી નગરગૃહ ખાતે આજે મહાત્મા ગાંધીજીના જીવન પર બનેલી ફિલ્મોના પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો

ગાંધીજી વિશે બનેલી જુદી-જુદી ઘટનાઓની 17 ફિલ્મો વિદ્યાર્થીઓ, શહેરીજનોને બતાવાશે

MailVadodara.com - A-screening-program-of-films-on-the-life-of-Mahatma-Gandhi-was-held-today-at-Gandhi-Nagargriha

- `ગાંધી પેનોરમા-2023' અંતર્ગત iiMCના ચેરમેન દેવેન્દ્ર ખંડેલવાલ અને પાલિકાના સહયોગથી ગાંધીજીની ફિલ્મોને નિશુલ્ક નિહાળવાનું આયોજન કરાયું


વડોદરા મહાનગરપાલિકા તથા ઇન્ડિયન ઇન્ફોટેઇનમેન્ટ મિડિયા કોર્પોરેશન (iiMC) દ્વારા આજરોજ `ગાંધી પનોરમા-2023' અંતર્ગત શહેરના ગાંધીનગર ગૃહ ખાતે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પર તૈયાર ફિલ્મોના પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.



દેશની આઝાદી માટે અહિંસાના માર્ગે આંદોલન થકી દેશમાંથી અંગ્રેજોને ભારત બહાર હાંકી કાઢવામાં મહત્વનું યોગદાન આપનાર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વિચારો, તેઓના દેશ માટેના યોગદાનને જન જન સુધી પહોંચે તે માટે ઇન્ડિયન ઇન્ફોટેઇનમેન્ટ મિડિયા કોર્પોરેશન (iiMC) થકી હિન્દી ફિલ્મના કલાકાર તથા બાપુના જીવન પર અનેક શોર્ટ ફિલ્મ બનાવનાર નિર્માતા નિર્દેશક એવા દેવેન્દ્ર ખંડેલવાલ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં મહાત્મા ગાંધીના જીવન, તેમના દેશની આઝાદી માટેના યોગદાનને આજની પેઢી જાણે તે માટે તેઓની સંસ્થા ગાંધી પનોરમા દ્વારા ગાંધી પનોરમા-2023 અંતર્ગત ફિલ્મો બતાવવામાં આવી રહી છે. જેમાં સવારે 11થી સાંજે 6 સુધી મહાત્મા ગાંધી વિશે બનેલી જુદી-જુદી ઘટનાઓની 17 ફિલ્મો શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનોને બતાવવામાં આવશે. અત્યાર સુધીમાં આ પ્રકારની ફિલ્મો 18 શહેરોમાં દર્શાવવામાં આવી છે અને વડોદરા 19મુ શહેર છે. આજરોજ વડોદરા મહાનગરપાલિકા તથા ઇન્ડિયન ઇન્ફોટેઇનમેન્ટ મિડિયા કોર્પોરેશન દ્વારા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન પર આધારિત હિન્દી શોર્ટ ફિલ્મો દર્શાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 


સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે આજે ભારતમાં, દરેક બાળક ગાંધીજીના ગુણો આત્મસાત કરવા માંગે છે. આજે ગાંધીજીના વિચારોની જેટલી જરૂર છે તેટલી બીજા કોઈ ની જરૂર નથી. પરંતુ  ગાંધીજી વિશે જાણવા માટે ફિલ્મથી વધુ સારું માધ્યમ કોઈ હોઈ શકે નહીં. તેથી જ મ્યુનિસિપલ કોર્પોરેશને વિચાર્યું કે ગાંધીજીના જીવન પર આધારિત ફિલ્મો લોકોને બતાવવી. અહીં કોર્પોરેશનને આઈઆઈએમસીએ મદદ કરી કારણ કે તેમની પાસે વિશ્વભરમાંથી ગાંધીજી પર બનેલી ફિલ્મોનો સંગ્રહ છે, જે વિવિધ ભાષાઓમાં છે, પરંતુ કોર્પોરેશને આ સંસ્થાને વિનંતી કરી હતી કે તેઓ માત્ર હિન્દી અથવા ગુજરાતી ફિલ્મ જ બતાવે, જેથી બધા સમજી શકે. એટલા માટે આજે ગાંધીજી વિશે બનેલી ફિલ્મો બતાવવામાં આવી રહી છે.


આ કાર્યક્રમમાં મેયર નિલેશ રાઠોડ, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ, દંડક ચિરાગભાઇ બારોટ, ગાંધી પનોરમાના ચેરમેન એવા હિન્દી ફિલ્મ-ટેલિવિઝનના કલાકાર તથા નિર્માતા નિર્દેશક દેવેન્દ્ર ખંડેલવાલ, મ્યુનિસિપલ કાઉન્સિલરો જાગૃતિ કાકા, શ્વેતા ઉતેકર, છાયા ખરાદી, સંગીતા ચોક્સી, જેલમ ચોક્સી, પ્રફુલ્લા જેઠવા, સચિન પાટડીયા, આશિષ જોશી સહિત સાથે પાલિકાના અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Share :

Leave a Comments