- વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીથી ન્યૂ સાયન્સ બ્લોક સુધી પગપાળા જવા માટે આ બ્રિજનો કરે છે, આ બ્રિજની હાલત પહેલાથી જ જર્જરિત હતો!
વડોદરામાં શુક્રવારની મધરાતે પડેલા ભારે વરસાદના પગલે એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની પાછળની તરફ આવેલા ભૂખી કાંસ પરના બ્રિજનો એક હિસ્સો ધરાશાયી થઈ ગયો છે.
આ બ્રિજ સાયન્સ ફેકલ્ટીને ડી એન હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા ન્યૂ સાયન્સ બ્લોક સાથે જોડે છે. વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીથી ન્યૂ સાયન્સ બ્લોક સુધી પગપાળા જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે. આ બ્રિજ પહેલેથી જ જર્જરિત હાલતમાં હતો. સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ આ બ્રિજને નવેસરથી બનાવવા માટે ગત વર્ષે આંદોલન પણ કર્યુ હતુ. વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે, બ્રિજની ઉંચાઈ ઘણી ઓછી છે. એટલે ભૂખી કાંસના પાણીમાંથી મગર ગમે ત્યારે આ બ્રિજ પર આવી જાય તેવી શક્યતા છે.
બ્રિજ બનાવવા માટે એક વિદ્યાર્થી તો અઢી મહિના સુધી આંખે કાળી પટ્ટી બાંધીને ફર્યો હતો. જોકે ફેકલ્ટી સત્તાધીશોએ સમજાવી પટાવીને વિદ્યાર્થીઓનુ આંદોલન બંધ કરાવી દીધુ હતુ. બ્રિજના સમારકામના નામે બંને તરફ જાળીઓ નાંખી દેવામાં આવી હતી.
હવે વરસાદે આ બ્રિજનો એક હિસ્સો ધરાશાયી કરી નાંખ્યા બાદ બ્રિજને અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજની બંને તરફ લગાડવામાં આવેલી રેલિંગ પર ભૂખી કાંસમાં વહેતો કચરો આવીને ફસાઈ ગયો છે. આમ બ્રિજ જાણે કચરાપેટીમાં ફેરવાઈ ગયો છે.