કરજણ ટોલનાકા પાસે પોલીસ વાન ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
કરજણ તાલુકાના ભરથાણા ગામના રહીશ નરેન્દ્રસિંહ અટાલીયા કરજણ ટોલનાકા ખાતે સિક્યુરિટી જવાન તરીકે ફરજ બજાવતા હતા. જેઓ પોતે બીમાર હોઇ નોકરી પર જતાં ન હતા. સોમવારે પોતાની બાઈક લઈને પોતાના ઘરેથી નીકળી કરજણ ટોલનાકા ખાતે ઇએસઆઈનું ફોર્મ જમા કરાવીને બાઈક લઈને પરત ફરતા હતા. ત્યારે રોડ ક્રોસ કરતી વખતે વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી એક પોલીસ વાન ચાલાકે નરેન્દ્રસિંહ અટાલીયાની બાઇક અડફેટમાં લીધી હતી.
નરેન્દ્રસિંહ અટાલિયા પટકાતા માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ છે. જેમાં વાન ચાલક બાઈક ચાલકને અડફેટે લેતા સ્પષ્ટ દેખાય છે. નરેન્દ્રસિંહના પુત્ર રાજવીરસિંહ અટાલીયાએ કરજણ પોલીસ સ્ટેશનમાં પોલીસ વાન ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે પોલીસ વાન ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.