પાદરામાં સગીર વિદ્યાર્થીનું બે વ્યક્તિએ બાઇક પર અપહરણ કરી કેનાલમાં ફેંકી દીધો, ખેડૂતે બચાવ્યો

સગીર વિદ્યાર્થી પાદરામાં આવેલી જાણીતી હાઇસ્કુલમાં ધો.૯માં અભ્યાસ કરે છે

MailVadodara.com - A-minor-student-in-Padra-was-abducted-by-two-men-on-a-bike-and-thrown-into-the-canal-rescued-by-a-farmer

- વિદ્યાર્થીને કેનાલમાં ધક્કો મારી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ

- પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ-પ્રકરણમાં આ ઘટના બની હોવાનું બહાર આવ્યું


પાદરામાં આવેલી જાણીતી હાઇસ્કૂલના સગીર વિદ્યાર્થીનું બે વ્યક્તિઓ મોટર સાઇકલ ઉપર અપહરણ કરી જઇ કેનાલમાં ફેંકી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ પરિવારે કરતા સનસનાટી મચી ગઇ હતી. કેનાલમાં ફેંકી દેવાયેલા વિદ્યાર્થીએ બચાવો..બચાવો..ની ચિસો પાડતા નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂત આવી પહોંચ્યા હતા અને દોરડું નાંખી બચાવી લીધો હતો. આ બનાવ પ્રેમ-પ્રકરણમાં બન્યો હોવાનું મનાય રહ્યું છે. આ બનાવ અંગે પાદરા પોલીસે તપાસ હાથ ધરી છે.


મળેલી માહિતી પ્રમાણે પાદરા નગરમાં આવેલી જાણીતી હાઇસ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બે વ્યક્તિઓ મોટર સાઇકલ ઉપર અપહરણ કરીને નગરના છેવાડે પાતળીયા હનુમાન મંદિર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો. નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવેલા વિદ્યાર્થીઓએ બચવા માટે ચિસો પાડી હતી. ડૂબી રહેલા વિદ્યાર્થીની ચિસો સાંભળી કેનાલ પાસે ખેતરમાં કામ કરતો એક ખેડૂત આવી પહોંચ્યો હતો અને નર્મદાના વહેતા પાણીમાં ડૂબી રહેલા વિદ્યાર્થીને દોરડું નાંખી બચાવી લીધો હતો.


આ દરમિયાન આ બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓ દોડી આવ્યા હતા. તે સાથે વિદ્યાર્થીના મિત્રો અને ફળિયામાં રહેતા લોકો પણ કેનાલ ખાતે દોડી આવ્યા હતા. તે સાથે પાદરા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. પરિવારે પોલીસને રજૂઆત કરી હતી કે, મારા દીકરાને બે વ્યક્તિઓ મોટર સાઇકલ ઉપર અપહરણ કરીને કેનાલ ખાતે લઇ ગયા હતા અને તેને કેનાલમાં ધક્કો મારી હત્યાનો પ્રયાસ કર્યો છે. સદભાગ્યે તે બચી ગયો છે. પરંતુ, આરોપીઓને શોધી કાઢી કડક કાર્યવાહી થવી જોઇએ.


પાદરના નગરમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે પાદરા પોલીસ દ્વારા પરિવારના આક્ષેપના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ-પ્રકરણમાં આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. જોકે આ બનાવ અંગે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ, પરિવારજનોનું ટોળું પોલીસ મથકે પહોંચી ગયું હતું અને આરોપીને ઝડપી પાડવાની ઉગ્ર માંગ કરી હતી.

મળેલી માહિતી પ્રમાણે પાદરા પોલીસ મથકના પી.આઇ. કે. જે. ઝાલાએ કેનાલમાં ધક્કો મારીને ફેંકી દેવાયેલા યુવક અને આ બનાવ સંદર્ભમાં એક યુવતીને બોલાવી પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસે યુવતીના જુના પ્રેમીની શોધખોળ શરૂ કરી છે. પાદરા પી.આઇ. કે. જે. ઝાલાએ જણાવ્યું હતું કે, બનાવની સત્ય હકીકત બહાર લાવવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. તપાસ બાદ જે વિગતો બહાર આવશે ત્યાર બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Share :

Leave a Comments