- આઠ આશ્રય સ્થાનમાં 988 લોકોને સમાવી શકાય તેટલી વ્યવસ્થા છે
વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા ઘરવિહોણા લોકો માટે આઠ જગ્યાએ આશ્રય સ્થાન એટલે કે નાઈટ શેલ્ટર બનાવવામાં આવ્યા છે. જ્યાં આશરે 988 લોકોને સમાવી શકાય તેવી વ્યવસ્થા છે. આ આશ્રય સ્થાનોનું સંચાલન વ્યવસ્થિત થાય અને લોકોને રહેવા માટે માળખાકીય સુવિધા સરળતાથી મળી રહે તે માટે નાઈટ શેલ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવનાર છે. આ માટે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં એક દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ કમિટીમાં કોર્પોરેટર ઉપરાંત કોર્પોરેશનના વોર્ડ ઓફિસર, ડેપ્યુટી કાર્યપાલક એન્જિનિયર, યુસીડી પ્રોજેક્ટના સક્ષમ અધિકારી ઉપરાંત આશ્રય સ્થાનમાં રહેતા નોમિનેટ કરાયેલા સભ્ય અથવા પ્રથમ બેઠક જ્યારે મળે ત્યારે અધ્યક્ષ દ્વારા નક્કી થાય તે મુજબ આશ્રય સ્થાનના કોઈ એક લાભાર્થીને પણ મૂકવામાં આવશે.
હાલ વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે, અક્ષર ચોક બ્રિજ નીચે, સોમા તળાવ બ્રિજ નીચે, વડસર બ્રિજ નીચે જીઆઇડીસી તરફ, અટલાદરા સ્વામિનારાયણ મંદિરની પાછળ પાણીની ટાંકી પાસે, વિશ્વામિત્રી જુના બ્રિજ નીચે, મધુનગર ગોરવા બ્રિજ નીચે અને અમરનગર નવા યાર્ડ અર્બન હેલ્થ સેન્ટર પાસે આશ્રય સ્થાન બનાવવામાં આવ્યા છે. આ આશ્રય સ્થાનો ખાતે કોર્પોરેશન નિયુક્ત એજન્સી દ્વારા શહેરમાં વિવિધ ખુલ્લી જગ્યામાં ફૂટપાથ પર રેલવે સ્ટેશન બહાર વગેરે અસુરક્ષિત જગ્યા પર આશ્રય લેતા ઘરવિહોણા લોકોને સમજાવીને નજીકના આશ્રય સ્થાન ખાતે લઈ જઈ તેઓને સરકારી યોજનાઓનો લાભ અપાવવામાં આવે છે તેમ દરખાસ્તમાં જણાવાયું છે. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ છેલ્લા દોઢ બે મહિનાથી આશ્રય સ્થાનોની કામગીરીની લોકોના ધ્યાને આવી છે અને તેને હજી વધુ સક્ષમ બનાવાશે.