વડોદરામાં ઓનલાઇન ટાસ્ક પુરા કરવાના નામે ઠગ ટોળકીએ યુવક સાથે રૂા.21 લાખની છેતરપિંડી કરી

યુવકે કહ્યું, મેં ઠગ ટોળકીના જુદા-જુદા બેન્ક એકાઉન્ટમાં ૨૧ લાખ જમા કરાવ્યા હતા, વધુને વધુ રકમની માંગણી કરવામાં આવતી હોવાથી મને શંકા પડી હતી

MailVadodara.com - A-gang-of-thugs-cheated-a-youth-of-Rs-21-lakh-in-the-name-of-completing-an-online-task-in-Vadodara

શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા એક યુવકને ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના નામે ઠગ ટોળકીએ રૂપિયા ૨૧ લાખ પડાવી લેતા તેણે પોલીસ ફરિયાદ કરી છે. 

વડોદરા શહેરના કારેલીબાગના સાઈ મંદિર એપાર્ટમેન્ટમાં રહેતા અને વરલી ઇન્ડીયા પ્રા.લિ.માં મિકેનીકલ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર બડગુજર નામના યુવકે પોલીસમાં ફરીયાદ દાખલ કરાવી છે કે, મને ટેલિગ્રામમાંથી ઓનલાઇન જોબ  ઓફર કરતો એક મેસેજ આવ્યો હતો. મારી પાસે સમય નહીં હોવાથી મેં રસ દાખવ્યો ન હતો. ફોન કરનાર વ્યક્તિએ  મને માત્ર અડધો પોણો કલાકનું કામ છે, તેમ કહી સારા વળતરની ઓફર કરતા મેં તૈયારી બતાવી હતી. મને મુવીનું ઓનલાઇન રેટિંગ અને તેની ટિકિટ સેલનું કામ બતાવવામાં આવ્યું હતું અને તેઓની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી બેન્ક એકાઉન્ટ લિંક કરવાનું કહ્યું હતું.

યુવકે પોલીસને કહ્યું છે કે, શરૂઆતમાં વેબસાઈટ પરના મારા એકાઉન્ટમાં દેખાતા વળતરમાંથી મેં મારા બેંક એકાઉન્ટમાં પ્રથમ ટ્રાન્સફર કરાવી હતી પરંતુ ત્યારબાદ મારી પાસે ડિપોઝિટ જમા કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. મેં ઠગ ટોળકીના જુદા-જુદા બેન્ક એકાઉન્ટમાં ૨૧ લાખ જમા કરાવ્યા હતા. જેની સામે મને મારા એકાઉન્ટમાં ૮૦ લાખનું વળતર દેખાતું હતું. પરંતુ આ રકમ મને મળવાને બદલે મારી પાસે વધુને વધુ રકમની માંગણી કરવામાં આવતી હોવાથી મને શંકા પડી હતી. 

યુવકે અલગ-અલગ સમય દરમિયાન પૈસા મેળવવા માટે ટેલીગ્રામ આઇડી, વર્કશોપ નંબર યસ બેન્ક, આઇસીઆઇસીઆઇ સહિતના એકાઉન્ટમાં પૈેસા જમા કરાવ્યા હતા. સમગ્ર કાવતરુ તા. ૧૦ એપ્રિલથી તા.ર૭ એપ્રિલના રોજ આયોજન બધ્ધ રીતે રચવામાં આવ્યું હતું. જેથી આ અંગે પોલીસને જાણ કરતાં જમા કરવામાં આવેલા જુદા-જુદા બેંક એકાઉન્ટના હોલ્ડરો વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે.


Share :

Leave a Comments