- બાપોદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી
વડોદરાના આજવા રોડની બહાર કોલોનીમાં ફરી એકવાર ચોર ટોળકી ઇકો કાર લઈને ચોરી કરવા માટે આવી હતી, પરંતુ પાડોશી જાગી જતા બૂમાબૂમ કરતા આરોપીઓ કાર લઈને ભાગી ગયા હતા.
વડોદરામાં આજવા રોડની બહાર કોલોનીમાં રહેતા વેપારી ગત મંગળવારે રાત્રે મકાન અને તાળું મારીને પરિવાર સાથે યાત્રાએ ગયા હતા. બુધવારે સવારે 0530 વાગે તેમના મકાનમાંથી અવાજ આવતા પાડોશમાં રહેતા તેમના ભાઈ જીઆઉદીન જાગી ગયા હતા. તેઓને શંકા જતા બહાર નીકળીને જોતા કેટલાક આરોપીઓ ઘરમાં ઘૂસ્યા હોવાનું જણાઇ આવતા તેમને બૂમાબૂમ કરી હતી. જેથી ગભરાયેલા ચોરો ઇકો કાર લઈને ભાગ્યા હતા. એક યુવકે બાઈક પર આરોપીઓની કારનો પીછો કર્યો હતો.
આજવા રોડથી છેક ઇલોરાપાર્ક આઈનોક્સ સિનેમા સુધી બાઈક સવાર આરોપીઓની પાછળ ગયો હતો અને ચોર-ચોરની બૂમો પાડી રહ્યો હતો. લગભગ દસ કિલોમીટરના અંતર સુધી યુવક બાઈક પર બૂમો પાડતો હતો, પરંતુ કોઈ રાહદારી, નાગરિક કે પોલીસ તેની મદદે આવ્યું ન હતું. જેના કારણે આરોપીઓ કાર લઈને ભાગી જવામાં સફળ રહ્યા હતા. આરોપીઓએ વેપારીના ઘરની બહાર લાગેલા સીસીટીવી તોડી નાખ્યા હતા. પરંતુ નજીકમાં બીજા સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીઓની ઇકો કાર સ્પષ્ટ દેખાય છે, જે સીસીટીવી ફૂટેજના આધારે બાપોદ પોલીસે આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.