- 5 ફાયર સ્ટેશનની 10 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો
- ફાયર વિભાગને 4.38 વાગ્યે આગનો કોલ મળતાની સાથે જ ટીમો રવાના થઈ હતી
વડોદરા શહેર નજીક આવેલ બાજવા જી.જે. પટેલ એસ્ટેટ સરકારી હોસ્પિટલ પાસે છાણી ખાતે વહેલી સવારે વેર હાઉસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર વિભાગને 4.38 વાગ્યે આગનો કોલ મળતાની સાથે જ ટીમો રવાના થઈ હતી. 5 ફાયર સ્ટેશનની 10 ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. 3 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી અને કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના છાણી બાજવા પાસે આવેલા વેરહાઉસમાં વહેલી સવારે અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ પેડિગ્રી, મોટર મિકેનિકલ અને મેડિસીનના સ્ટોરેજમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગના 5 સ્ટેશનની 10 ગાડી દોડી ગઈ હતી અને 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં આ આગ કયાં કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી, પરંતુ આ તમામ સ્ટોરેજ ગોડાઉન હોવાનું સામે આવ્યું છે અને મોટું નુકસાન થયું હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.
આ બનાવને લઈ વડોદરા ફાયર વિભાગના છાણી ટીપી 13, ઈઆરસી, વાસણા, વડીવાડી અને પાણીગેટ ફાયર વિભાગની ટીમો 10 ગાડીઓ સાથે પહોંચી હતી. આગ વધુ ફેલાય તે પૂર્વે જ તેને ભારે જહેમત બાદ કન્ટ્રોલ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જણાવ્યા મુજબ આ ગોડાઉનમાં ડોગના બિસ્કિટ બનાવતી કંપની સાથે મોટર મિકેનિકલ સામાન અને મેડિસિન કંપનીનું સ્ટોરેજ હોવાથી તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો છે.
આગને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ વહેલી સવારે લાગી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કંપનીને મોટાપાયે નુકસાન થયું હોય તેવું જાણવા મળ્યું છે. હાલમાં પણ પાંચ ફાયર સ્ટેશનની ટીમો તહેનાત છે અને કુલિંગની પ્રક્રિયા કરી રહ્યા છે. બાદમાં આ આગ ક્યાંથી અને કયાં કારણોસર લાગી, આ વેર હાઉસ કોના છે તે દિશામાં ફાયર તપાસ કરશે.