વારસીયા વીમા દવાખાના પાસે આવેલ ઝુપડપટ્ટીમાં આગ ફાટી નીકળતા દોડધામ, બે ઝુંપડા બળીને ખાખ થઇ ગયા

ટીવીમાં બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન

MailVadodara.com - A-fire-broke-out-in-a-slum-near-Warsia-Insurance-Hospital-two-huts-were-gutted

- આગ લાગવાના કારણે બે પરિવારો ઘરવિહોણા થઈ ગયા, આગ લાગતાની સાથે સ્થાનિક લોકોએ છાપરા અને ટેરેસ ઉપર ચડી ડોલો વડે પાણીનો મારો ચલાવ્યો


વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં વીમા દવાખાના પાછળ આવેલ ઝુપડપટ્ટીમાં આજે એક આગનો બનાવ બન્યો હતો. પ્રાથમિક તપાસમાં ટીવીમાં બ્લાસ્ટ થવાના કારણે લાગેલી આગના પગલે બે ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. જોકે સ્થાનિક લોકો અને સમયસર પહોંચેલી ફાયર બ્રિગેડની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. લોકોએ દોડધામ કરી મૂકી હતી. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી.

મળેલી માહિતી પ્રમાણે, શહેરના વારસીયા વિસ્તારમાં વીમા દવાખાના પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં આગ ફાટી નીકળી હતી. આશરે 50 જેટલા ઝૂંપડાની વચ્ચે આવેલા એક ઝૂંપડામાં TVમાં બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકો પોતાના છાપરા ઉપર અને ટેરેસ ઉપર ચડી ગયા હતા અને પાણીની ડોલો ભરીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આગ પ્રસરી રહી હોવાના કારણે બનાવવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.


પાણીગેટ અગ્નિશમન વિભાગને આગના બનાવવાની જાણ થતાની સાથે જ ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. આગ વધુ પ્રસરે તે પહેલા પાણીનો મારો ચલાવીને કાબુમાં લઈ લીધી હતી. જોકે, આ સંપૂર્ણ આગ કાબુમાં આવે તે પહેલા બે ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. તેમાંનો તમામ ઘરવખરી સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સમયસર પહોંચીને આગને કાબુમાં લેવામાં ન આવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. પરંતુ સ્થાનિક લોકોએ આગ લાગતાની સાથે જ પાણીની ડોલો ભરીને આગ ઉપર નાખવાનું શરૂ કરતાં આગ વધુ પ્રસરતા અટકી ગઈ હતી.

ઝૂંપડાઓની વચ્ચે આવેલા એક ઝૂંપડામાં લાગેલી આગના કારણે આસપાસના ઝૂંપડાવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તમામ ઘરની બહાર સલામત સ્થળે નીકળી ગયા હતા. નોંધનીય બાબતે એ છે કે, આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ બે ઝૂંપડામાં આગ લાગવાના કારણે બે પરિવારો ઘરવિહોણા થઈ ગયા છે. સ્થાનિક લોકો દ્વારા બેઘર થઈ ગયેલા લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આગના આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

આ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ કહેવાય રહ્યું છે કે, TVમાં બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી. આ અંગે વડોદરા ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આગનું ચોક્કસ કારણ બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Share :

Leave a Comments