- ગોડાઉનમાં પ્લાસ્ટીક-રબરનો ભંગાર હોવાના કારણે આગને સંપૂર્ણ કાબૂમાં લેતા ફાયર લાશ્કરોને 4 કલાકની ભારે મુશ્કેલી પડી
વડોદરા હાલોલ રોડ ઉપર આવેલ કુમેઠા ગામ પાસે મોડી રાત્રે ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિક અને રબરના ભંગાર ભરેલા ગોડાઉનમાં આગ ફાટી નીકળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આગે મોટું સ્વરૂપ ધારણ કરતા બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો દોડી ગયા હતા. જ્યાં ભારે જહેમતબાદ આગ કાબૂમાં લીધી હતી.
મળતી માહિતી અનુસાર વડોદરા હાલોલ રોડ પર આવેલા કુમેઠા ગામ પાસે ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રેબે વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક તેમજ રબ્બરનું ભંગાર હોવાથી આગે વિકરાળ બની હતી. આગની જ્વાળાઓ આસપાસના ગામો સુધી દેખાઈ હતી. પરિણામે આસપાસના ગામના લોકો સ્થળ પર દોડી ગયા હતા.
આગ વધુ પ્રસરે તે પહેલાં આગના બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ અને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના તુંરત જ લાશ્કરો પાણીની ટેન્કરો સાથે પહોંચી ગયા હતા. જ્યાં પાણીમારો ચલાવી 4 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આગમાં કોઈ જાનહાની થઇ નથી. પરંતુ, આગમાં તમામ ભંગાર બળીને ખાખ થઇ ગયું હતું.
ગોડાઉનમાં પ્લાસ્ટીક-રબરનો ભંગાર હોવાના કારણે આગને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે ફાયર લાશ્કરોને ભારે મુશ્કેલી પડી હતી. ફાયર લાશ્કરોએ સતત 4 કલાક સુધી પાણીમારો ચલાવવાની ફરજ પડી હતી. ભંગારના ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. અને આગનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.