ખાનગી હોસ્પિટલમાં રિસેપ્સનીસ્ટની નોકરી કરતા બે સંતાનના પિતાનો કેનાલમાં ઝંપલાવી આપઘાત

બે દિવસ પૂર્વે દીકરાને સ્કૂલે મૂક્યા બાદ ઘરથી દૂર એક્ટિવા પાર્ક કરી નીકળી ગયા હતા

MailVadodara.com - A-father-of-two-who-worked-as-a-receptionist-in-a-private-hospital-committed-suicide-by-jumping-into-the-canal

- પાદરા પોલીસને ગણપતપુરા નજીક નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ મો હતો જેની ઓળખ માટે તપાસ કરતાં મૃતદેહ હિતેષ જાદવનો હોવાનું બહાર આવ્યું હતું

- યુવાને આપઘાત પૂર્વે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, `મારાથી બધાને હેરાન થવું, એના કરતા મારે જ મરી જવું સારું, હું મારી જાતથી થાકી ગયો છુ'

શહેરનાં ગોત્રી સ્ટાફ ક્વાટર્સમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં રિસેપ્સનીસ્ટ તરીકે નોકરી કરનાર બે સંતાનનાં પિતાએ પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવી લીધું હતું. આ યુવાન જીવન ટુંકાવવા જતા પૂર્વે રિસેષમાં મોટા દીકરાની સ્કૂલમાં ગયો હતો. અને સ્ટેપલર મારેલી એક ચિઠ્ઠી મમ્મીને આપી દેવાનું કહી ગણપતપુરા પહોંચી ગયો હતો. તેણે પરિવારને સંબોધન કરેલી ચિઠ્ઠીમાં લખ્યું છે કે, મારાથી બધાને હેરાન થવું એના કરતાં મારે જ મરી જવું સારું, હું મારી જાતથી થાકી ગયો છું.

આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે, શહેરનાં ગોત્રી સરકારી હોસ્પિટલનાં ક્વાટર્સમાં 36 વર્ષીય હિતેષ કાંતિલાલ જાદવ પત્ની અને બે સંતાનો સાથે રહેતો હતો અને શહેરની ખાનગી હોસ્પિટલમાં રિસેપ્સનીસ્ટ તરીકે નોકરી કરતો હતો. પત્ની પણ ગોત્રી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. તેના બે સંતાનો છે, જે અલગ-અલગ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે તેમના માતા-પિતા તથા અન્ય પરિવારજનો શહેરનાં વડસર વિસ્તારમાં રહે છે.


તા. 29 માર્ચનાં રોજ હિતેષ જાદવ સવારે નાના પુત્રને સુભાનપુરાની સ્કૂલમાં એક્ટીવા ઉપર મૂકીને ઘરે આવ્યા હતા અને ઘરથી થોડે દૂર એક્ટીવા મૂકી નીકળી ગયા હતા. ત્યારબાદ હિતેષ જાદવે મોટા પુત્રની સ્કૂલના રિસેષ ટાઇમમાં પહોંચી જઇ પુત્રને સ્ટેપલર મારેલી ચિઠ્ઠી આપતા કહ્યું કે, તારી મમ્મીને ચિઠ્ઠી આપી દેજે. ત્યારબાદ હિતેષ જાદવે સ્કૂલમાંથી નીકળી સીધો પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં જઇ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

આ દરમિયાન પતિ હિતેષ કલાકો સુધી ઘરે પરત ન ફરતા પત્ની તુરંત જ ગોત્રી પોલીસ મથકમાં પહોંચી ગઇ અને પતિ ગૂમ થયાની અરજી આપી હતી. ગોત્રી પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એન. મનાતે પત્નીની અરજીના આધારે તપાસ શરૂ કરી દીધી હતી.

જાેકે બપોરે 1.30 વાગ્યાના સુમારે હિતેષના પુત્રએ સ્કૂલેથી છૂટ્યા બાદ ઘરે આવી પિતાએ આપેલી ચિઠ્ઠી મમ્મીને આપીને કહ્યું, પપ્પાએ રીસેષમાં સ્કૂલે આવી ચિઠ્ઠી આપી છે. પત્નીએ ચિઠ્ઠી વાંચતા જ સ્તબ્ધ થઇ ગઇ હતી. હિતેષે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, મારાથી બધાને હેરાન થવું એના કરતા મારે જ મરી જવું સારું, હું મારી જાતથી થાકી ગયો છું.

પતિ હિતેષની પુત્રએ આપેલી ચિઠ્ઠી વાંચ્યા બાદ પત્નીએ કોઇપણ જાતનો સમય બગાડ્યા વિના ગૂમ પતિની તપાસ કરી રહેલા ગોત્રી પોલીસ મથકનાં પી.એસ.આઇ. એસ.એન. મનાતનો સંપર્ક કર્યો હતો અને પતિએ પુત્રના હાથે મોકલાવેલી ચિઠ્ઠી આપી હતી. પી.એસ.આઇ.એ પણ કોઇપણ જાતનો સમય બગાડ્યા વિના સીધા ચિઠ્ઠી લઇને ઘરે આવેલા પુત્રની સ્કૂલમાં પહોંચી ગયા હતા અને સ્કૂલના સી.સી.ટી.વી. ફૂટેજ પણ તપાસ્યા હતા, જેમાં હિતેષ સ્કૂલમાં 10-30 કલાકે આવે છે અને પુત્રને ચિઠ્ઠી આપી 10.35 કલાકે નીકળી જતા દેખાય છે. અન્ય સીસીટીવી ફૂટેજ તપાસતા હિતેષ સેવાસી તરફ ચાલતા જણાય છે. તે બાદ હિતેષ ક્યાં ગયો? તે વિગત પોલીસને મળી ન હતી.

આ સમય દરમિયાન તા. 31 માર્ચ-2023ના રોજ પાદરા પોલીસને ગણપતપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. પાદરા પોલીસ મથકના એ.એસ.આઇ. હરેશભાઇએ લાશનો કબ્જો લઇ મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતક હિતેષ કાંતિભાઇ જાદવ હોવાનું બહાર આવ્યું હતું. પરિવારે લાશ ઓળખ્યા બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી લાશ પરિવારને સોંપી હતી. ગણતરીના કલાકોમાં જ હિતેષ જાદવનાં મોતના સમાચાર મળતા પત્ની, સંતાનો તેમજ પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા.

બીજી બાજુ પાદરા પોલીસ દ્વારા હિતેષ જાદવના આપઘાત બાબતે કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો બહાર આવી હતી કે, હિતેષ જાદવ દેવામાં ફસાઇ ગયો હતો. જેના કારણે ગૃહકલેશ શરૂ થઇ ગયો હતો. દેવાના કારણે અવાર-નવાર ઘરમાં ઝઘડાઓ થતાં હોવાથી હિતેષ કંટાળી ગયો હતો. આથી, તેણે આપઘાત કરી લીધો છે.

આ બનાવ અંગે પાદરા પોલીસે હિતેષ જાદવ સામે આપઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હિતેષ જાદવના આપઘાતનાં બનાવે ગોત્રી હોસ્પિટલ સ્ટાફ ક્વાટર્સમાં ચકચાર જગાવી મૂકી હતી. હિતેષનાં આપઘાતની વધુ પોલીસ તપાસ બાદ અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Share :

Leave a Comments