વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આજે વહેલી સવારે લોડેડ કન્ટેનર પલટી જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહન ચાલકો પરેશાન થયા હતા.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વુડા સર્કલ નજીક આજે વહેલી સવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું મટીરીયલ લઈને પસાર થતું કન્ટેનર ટર્ન લેતી વખતે ધડાકાભેર ઉથલી પડ્યું હતું. જાેકે કન્ટેનરના ડ્રાઇવર ક્લીનરને કોઈ ઈજા થઈ ન હતી અને તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. ઉપરોક્ત સ્થળેથી હરણી ફતેગંજ વિસ્તારનો ટ્રાફિક આવજા કરતો હોવાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો.
અપડાઉન કરતા નોકરીયાતો તેમજ ધંધાર્થીઓને ખાસો સમય અટવાઈ રહેવું પડ્યું હતું. કારેલીબાગ પોલીસ અને ટ્રાફિક પોલીસે એક બાજુનો વાહન વ્યવહાર બંધ કરાવી સ્થિતિ સંભાળી હતી અને કન્ટેનર ખસેડવા માટે તજવીજ હાથ ધરી હતી.
આ બાબતે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, પાલિકા તંત્ર દ્વારા ધારાધોરણો વિનાના આડેધડ સર્કલો મોટા બનાવી દેતાં આ સમસ્યાઓ સર્જાતી હોય છે. અહીં પણ વુડાની જગ્યા ના બહારના ભાગ તોડી મોટું સર્કલ બનાવી દીધા છે જો સર્કલો નાના હોય તો અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાઓ માં ઘટાડો થઇ શકે.
નોંધનીય છે કે, લાયન સર્કલ પાસે વારંવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે અને અત્યાર સુધીમાં ત્રણથી ચાર લોકોના મૃત્યુ પણ થયા છે.