સાવલીના ધનતેજ ગામની સીમમાંથી સળગેલી હાલતમાં દીપડાનો મૃતદેહ મળ્યો

દીપડો શિડયુલ વનની કેટેગરીમાં આવતો હોય ઘટનાની ગંભીર તપાસ હાથ ધરાઇ

MailVadodara.com - A-charred-dead-body-of-a-leopard-was-found-on-the-outskirts-of-Savli-Dhantej-village

- દીપડાનો સળગેલો મૃતદેહ મળતાં ફોરેસ્ટ અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા


વડોદરા જિલ્લાના સાવલીના ધનતેજ ગામની સીમમાં અવાવરું કોતરમાંથી સળગાવેલી હાલતમાં દીપડાનો મૃતદેહ મળ્યો હતો. જેને પગલે વનકર્મીઓ અને જિલ્લા વન અધિકારી, સાવલી આરએફઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. દીપડો શિડયુલ વનની કેટેગરીમાં આવતો હોય સમગ્ર ઘટનાની ગંભીર તપાસ હાથ ધરાઇ છે.

વડોદરા જિલ્લામાં દીપડાનું અસ્તિત્વ જોખમમાં મુકાયું હોય તેવા એક પછી એક કિસ્સા બની રહ્યા હોવાથી ફોરેસ્ટ વિભાગની ટીમો માટે નવો એક પડકાર સર્જાયો છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા ધનતેજ ગામની નર્મદા વસાહત પાછળ સદાપુરા ગામની સીમનાં ભેવાના અવાવરું કોતરોમાંથી ગઇકાલે સળગાવેલી હાલતમાં એક દીપડો મળી આવ્યો હતો. જેને પગલે વનકર્મીઓ અને જિલ્લા વન અધિકારી રવીરાજસિંહ રાઠોડ, સાવલી આરએફઓ કિંજલ જોશી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. દીપડો શિડયુલ વનની કેટેગરીમાં આવતો હોય સમગ્ર ઘટનાની ગંભીર તપાસ હાથ ધરાઇ છે.


અનુમાન પ્રમાણે, ખેડૂતોએ વન્ય પ્રાણીઓથી ખેત પાકના રક્ષણ માટે ઝાટકા મશીનનો ઉપયોગ કર્યો હશે અને વીજ કરંટથી દીપડાનું મોત થયું હશે. જ્યારે દીપડાનું મોત થયું હોવાની ઘટના છુપાવવા માટે કોઈ ખેતર માલિક દ્વારા દીપડાને સળગાવ્યાના અનુમાન સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સળગેલો દિપડો મળ્યાની વાત વાયુવેગે તાલુકામાં પ્રસરી જતા ભારે ચર્ચા જાગી હતી.


ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા કરજણમાં મેથી ગામ નજીક દીપડો ખેતરની ફેન્સીંગમાં ફસાઈ જતા મૃત્યુ પામ્યો હતો. જ્યારે 15 દિવસ પહેલા વાઘોડિયાના વ્યારા ગામે દીપડાનો પગ તેમજ પૂંછડી કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બનાવનું રહસ્ય હજી ઉકેલાયું નથી.

Share :

Leave a Comments