- ભીમપુરાના તળાવ પાસે પાછળના ભાગમાં દીપડો આવે છે, જેને પગલે વાહન વ્યવહાર કરતાં લોકોમાં રાત્રે ભયનો માહોલ છે : સ્થાનિક
વડોદરાની આસપાસ છેલ્લા કેટલાક સમયથી દીપડાને કારણે ભયનો માહોલ સર્જાયો છે ત્યારે ભીમપુરા વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે.
વડોદરાની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી નીલગાય, કુતરા, ભૂંડ, વાછરડા વગેરેનું મારણ કરવા માટે દીપડા ત્રાટકતા હોવાથી ગ્રામજનોમાં ગભરાટની લાગણી વ્યાપી છે. ત્યારે શહેર નજીક ભીમપુરા પાસે દીપડાએ દેખા દેતાં વન વિભાગ દ્વારા શનિવારે રાત્રે પિંજરું મૂકાયું હતું. વન વિભાગ મુજબ માનવ વસ્તીને હાનિ ન પહોંચાડે તો દીપડાને રેસ્ક્યૂ કરવાની જરૂર નહીં પડે. નદીના તટ તરફ કોતરોમાંથી દીપડો આવતો હશે તો તેને રેસ્ક્યૂ કરવાની જરૂર જણાતી નથી. હાલના તબક્કે ગ્રામ્યજનનો દ્વારા જણાવ્યા મુજબ તલાવડી પાસે પાણી પીવા દીપડો આવે છે, જેથી નજીકની ઝાડિયોમાં પીંજરું મૂકાયું છે.
વન્ય પ્રાણીઓના જાણકારો મુજબ, શેરડીનો પાક કપાતાં ખુલ્લાં ખેતરોને પગલે દીપડો ઘર સુધી આવી જાય છે. સીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું કે, અગાઉ દીપડા જેવાં વન્ય પ્રાણી આવતાં હતાં, પરંતુ હવે સીસીટીવી અને મોબાઇલની સુવિધા તથા તેઓ સહેલાઈથી કેપ્ચર થાય છે અને તેમને પકડવા અને તેમનાથી રક્ષણની કાર્યવાહી થઈ શકે છે.
સ્થાનિક લોકોએ દીપડા દ્વારા 4 દિવસ અગાઉ નીલ ગાયનું મારણ કર્યાનું જણાવતાં વન વિભાગ પણ દોડતો થયો છે. જોકે વડોદરાના આરએફઓ કરણસિંહ રાજપૂતે આવી ઘટના પોતે જોઈ હોવાનો કે તેના અવશેષ મળ્યા આવવાનું નકાર્યું છે. બીજી તરફ પગલાં જાેતા અંદાજે 4 વર્ષના દીપડાના હોવાનું તેમણે ઉમેર્યું હતું. સ્થાનિક અશોક નિઝામાએ જણાવ્યું કે, ભીમપુરાના તળાવ પાસે પાછળના ભાગમાં દીપડો આવે છે, જેને પગલે વાહન વ્યવહાર કરતાં લોકોમાં રાત્રે ભયનો માહોલ છે. જેને પગલે ભીમપુરા-શેરખીમાં દીપડા વારંવાર આવી રહ્યો હોવાથી ગ્રામજનોની રજૂઆતની પગલે ફોરેસ્ટ વિભાગે પાંજરું ગોઠવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના પાદરે દરજીપુરામાં 20 દિવસ પહેલા જ દીપડો પાંજરે પુરાયો હતો જેને જાંબુઘોડાના જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી પણ સતત દીપડા દેખાય રહ્યા હોવાથી ખેત મજૂરો ખેતરે જતા ગભરાઈ રહ્યા છે.