વડસર બ્રિજ પાસે છેલ્લાં બે વર્ષથી ડિગ્રી વિના જ ડેન્ટલ ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયો

હજારો દર્દીઓની સારવાર કરનાર ભૂતિયા ડોક્ટરે અગાઉ અમદાવાદમાં ક્લનિક શરૂ કર્યું હતું

MailVadodara.com - A-bogus-doctor-was-caught-running-a-dental-clinic-without-a-degree-near-Vadsar-Bridge-in-Vadodara

- આ બોગસ તબીબ મફતમાં દાંતોની ચકાસણી કરી માત્ર 100 રૂપિયામાં દાંત પાડવા સહિતની સારવાર કરતો હતો, 15 હજારનો મુદ્દામાલ જપ્ત


વડોદરાના વડસર બ્રિજ પાસે ડિગ્રી વિના જ શિવ શક્તિ ડેન્ટલ ક્લિનિક ચલાવતો મૂળ ઉત્તરપ્રદેશનો બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ તબીબ મફતમાં દાંતોની ચકાસણી અને માત્ર 100 રૂપિયામાં દાંત પાડવા સહિતની સારવાર કરી આપતો હતો. એક યુવાને કરેલી રજૂઆતના આધારે માંજલપુર પોલીસે શિવ શક્તિ ડેન્ટલ ક્લિનિકમાં રેડ કરીને બોગસ તબીબને ઝડપી પાડ્યો છે અને 15,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

મૂળ ઉત્તરપ્રદેશના અને વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ શ્યામલ કોલોનીમાં રહેતો સંતોષકુમાર સુરેશચંદ્ર ચક વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલ પાર્ક પેરેડાઇઝ કોમ્પ્લેક્ષમાં છેલ્લા 2 વર્ષથી શિવ શક્તિ ડેન્ટલ ચલાવતો હતો. તેના ક્લિનિકમાં વડોદરાના વડસરની કાંસા રેસિડેન્સીમાં રહેતો હિમાંશુ હરીભાઇ ગણાત્રા તેની પત્નીની દાંતની સારવાર માટે ગયો હતો. જો કે, તેને શંકા જતા આ અંગે માંજલપુર પોલીસને જાણ કરી હતી. જેથી માંજલપુર પોલીસ શિવ શક્તિ ક્લિનિકમાં પહોંચી ગઈ હતી અને પીઆઇ ડી.બી. વાળા અને પીએસઆઇ અનિલ નિનામા સહિત માંજલપુર પોલીસના સ્ટાફે ક્લનિકમાં તપાસ શરૂ કરી હતી.


માંજલપુર પોલીસની તપાસ દરિયાન આરોપી સંતોષકુમાર ચક પાસેથી કોઇપણ પ્રકારની ડિગ્રી મળી આવી નહોતી. તેમ છતાં તે ડેન્ટલ ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરતો હતો અને તેને દર્દીઓની સારવાર માટેના તમામ સાધનો પણ વસાવ્યા હતા. આમ ડિગ્રી ન હોવા છતાં ક્લિનિક ખોલીને સારવાર કરી બોગસ તબીબ સંતોષકુમાર ચક દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. જેથી માંજલપુર પોલીસે આરોપી સંતોષકુમાર સુરેશચંદ્ર ચક (હાલ રહે. 408, શ્યામલ કોલોની, ગાયત્રીમંદિર પાસે, વાઘોડિયા રોડ, વડોદરા મૂળ રહે, સેમરી ગામ, તાજગંજ, આગ્રા, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


પોલીસે શિવ શક્તિ ડેન્ટલ ક્લિનિકમાંથી દર્દીઓના નામ અને સરનામા લખવા માટેનું ડેઇલી રજીસ્ટર, બિલ બુકો, ફાઇલો અને દાંતની સારવાર માટેના સાધનો સહિત કુલ 15,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંતોષકુમાર ચક બીજા ડોક્ટર પાસેથી દાંતની સારવાર કરવાનું શિખ્યો હતો અને ત્યારબાદ અમદાવાદમાં દાંતનું ક્લિનિક ચલાવતો હતો અને ત્યારબાદ વડોદરામાં પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું. વડોદરામાં તે બે વર્ષથી ક્લિનિક ચલાવતો હતો અને દાંતનું મફત ચેકિંગ કરી આપતો હતો અને માત્ર 100 રૂપિયામાં જ દાંત પાડવા સહિતની સારવાર કરી આપતો હતો.

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં રહેતા પારસનાથ વિતારીએ જણાવ્યું હતું કે, હું વડોદરાના વડસર વિસ્તારમાં આવેલ શિવદાસ સોસાયટીમાં રહું છું. શિવ શક્તિ ડેન્ટલ ક્લિનિકમાં મારી 3 દિવસથી સારવાર ચાલતી હતી. પરમ દિવસે હું અહીંથી દવા લઇને ગયો હતો. પરંતુ મારો દુખાવો ઓછો થયો નહોતો. જેથી મને ડોક્ટરે આજે બોલાવ્યો હોવાથી હું સારવાર માટે આવ્યો હતો. પરંતુ 10થી 15 ફોન કરવા છતાં ડોક્ટરે ફોન ઉઠાવ્યો નથી. અહીં આવવા પછી ખબર પડી છે કે, બોગસ ડોક્ટર સામે તો એફઆઇઆર થઇ છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ 2 મહિના પહેલા પણ મારા દાંતની સારવાર કરાવવા માટે અહીં આવ્યો હતો. તે વખતે સારવાર કરાવી હતી તે દાંતમાં જ દર્દ થઇ રહ્યું છે કે, બીજા દાંતમાં તે સમજાતુ નથી. મારી લોકોને અપીલ છે કે, ડોક્ટરની ચકાસણી કરીને પોતાની સારવાર કરાવો.

ઉલ્લેખનીય છે કે, બોગસ ડોક્ટર છેલ્લા 2 વર્ષથી ડેન્ટલ ક્લિનિક ચલાવતો હોવાથી અત્યાર સુધીમાં હજારો દર્દીઓની સારવાર તેને કરી હતી. આમ ડિગ્રી ન હોવા છતાં દર્દીઓની સારવાર કરીને તેને લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. મળતી માહિતી પ્રમાણે બે દિવસ પહેલા એક મહિલા દર્દીના દાંતની સારવાર કર્યાં પછી મહિલાને ધનુર ઉપડ્યું હતું.

Share :

Leave a Comments