- કોઇ અજાણ્યો ઇસમ પોલીસમાં પકડાઇ જવાના ડરથી બિનવારસી હાલતમાં છોડી ભાગી ગયો
વડોદરાના ઇટોલા પાસે પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે SOG અને NDPS ટીમને 62 હજારની કિંમતનો 6 કિલો ગાંજાનો જથ્થો ભરેલી બેગ મળી આવી હતી. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા એસઓજી અને NDPSની ડેડિકેટેડ ટીમ પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન વડોદરા નજીક ઇટોલા રેલવે સ્ટેશન પસાર થયા બાદ ટ્રેનના પાછળથી બીજા તથા ત્રીજા નંબરના જનરલ કોચના કોરીડોર વચ્ચે શંકાસ્પદ હાલતમાં એક ગ્રીન કલરનો થેલો પડ્યો હતો અને જેમાંથી 6 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
કોઈ અજાણ્યો ઇસમ પરપ્રાંતથી ગેરકાયદે થેલામાં ગાંજાનો જથ્થો રેલ્વે ટ્રેન મારફતે લાવ્યો હતો અને પોલીસમાં પકડાઇ જવાના ડરથી બિનવારસી હાલતમાં છોડી ભાગી ગયો હતો. જેથી અજાણ્યા ઇસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા રેલવે એસઓજીના પીઆઇ એફ.એ. પારઘીએ જણાવ્યું હતું કે, પુરી-ઓખા ટ્રેનમાંથી અમે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.