- મધ્યપ્રદેશના જબલપુર નજીક વહેલી સવારે રામભક્ત અશોકભાઈ પરમારને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવતા સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હતું
અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જઈ રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા પણ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રામભક્ત અયોધ્યા ખાતે રામલલ્લાના દર્શન કરીને આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં પરત ફરી રહ્યા હતા, તે સમયે વહેલી સવારે તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું. ચાલુ ટ્રેનમાં રામભક્તનું મૃત્યુ થતાં સાથે ગયેલા ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મજાતન ગામના રહેવાસી અને રામભક્ત અશોકભાઈ પુંજાભાઈ પરમાર રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં બેસીને રામલલ્લાના દર્શન માટે ગયા હતા. રામભક્ત અશોકભાઈએ અયોધ્યા મંદિરમાં જઈને રામલલ્લાના દર્શન કર્યાં હતા અને ત્યારબાદ અયોધ્યાથી ટ્રેન મારફતે વડોદરા પરત ફરી રહ્યા હતા. આ સમયે મધ્યપ્રદેશના જબલપુર નજીક વહેલી સવારે રામભક્ત અશોકભાઈને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.
જબલપુર રેલવે પોલીસ વિભાગે અશોકભાઇના મૃતદેહને જબલપુરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટનાની જાણ પાદરા ખાતે મજાતન ગામમાં અશોકભાઈના પરિવારજનોને કરવામાં આવી હતી. જેથી તેમના પરિવારજનો અશોકભાઈના મૃતદેહને લેવા મધ્યપ્રદેશના જબલપુર ખાતે રવાના થયા હતા. તેમના મૃતદેહને વતન મજાતન લાવીને અંતિમંસંસ્કાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા વડોદરાના સુંદરપુરા ગામના 67 વર્ષના માજી સરપંચ રમણભાઈ બાબુભાઈ પાટણવાડી વડોદરાથી ઉપડેલી આસ્થા ટ્રેનમાં અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં ચાલુ ટ્રેનમાં તેઓને હાર્ટ-એટેક આવતા મોત થયું હતું. આ બનાવને પગલે સાથી યાત્રિકો અને તેઓના ગામમાં સમાચાર પહોંચતા ગમગીની ફેલાઈ ગઈ હતી.