- રીંગરોડ વડોદરા કોર્પોરેશન અને વુડા વિસ્તારમાંથી પણ પસાર થશે
વડોદરા શહેરની ઉત્તર દિશામાં ફાજલપુર-વાસદ પાસે નેશનલ હાઈવે-48થી શરૂ કરીને વડોદરા શહેરની પશ્ચિમ દિશામાં થઇને દક્ષિણ તરફ વરણામા પાસે નેશનલ હાઈવે-48 સુધી અંદાજીત 32.20 કિ.મી. લંબાઇમાં આશરે 1,500 કરોડના ખર્ચે રીંગરોડ બનાવવાનું આયોજન કરવામાં આવનાર છે.
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવેનો ટ્રાફીક વડોદરા શહેરમાં લાવવાના બદલે બહાર રીંગરોડથી જ પસાર કરાવવાનું આયોજન વિચાર્યું છે. જેથી ટ્રાફિક સમસ્યા પણ ન રહે અને વડોદરા શહેરમાં આવતો વધારાનો ટ્રાફીક બાયપાસ થઇ જાય. ઉપરાંત ભારદારી વાહનો વડોદરા શહેરમાં પ્રવેશ કરવાના બદલે રીંગરોડનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરશે. જેથી વડોદરા શહેરમાં ટ્રાફીકનું ભારણ ઘટશે તેની સાથે સાથે લોકોનો સમય અને ઇંધણની પણ બચત થશે.
આ રીંગરોડ બનાવવા માટે પ્રાથમીક અંદાજિત ખર્ચ રૂ.1500 કરોડ થવાની શકયતા છે. રીંગરોડનો ખર્ચ અન્ય સ્ટેક હોલ્ડર દ્વારા પણ ફાળો આપવામાં આવે તેમ છે. આની સાથે સાથે ખર્ચને પહોંચી વળવા માટે એફ.એસ.આઈની વેચાણ પધ્ધતિથી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રીંગરોડના પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારની મંજૂરીની આવશ્યકતા રહેશે. આ ઉપરાંત રીંગરોડ બનાવવા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ રચના કરવા માટે કોર્પોરેશનની સમગ્ર સભાની મંજુરી લેવી પડશે. રીંગ રોડ વડોદરા કોર્પોરેશન અને વુડા વિસ્તારમાંથી પસાર થતો હોવાથી સ્પેશિયલ પર્પઝ વ્હીકલના ભાગીદાર કોર્પોરેશન અને વુડા રહેશે.
આ પ્રોજેકટ મહત્ત્વનો હોઇ તેના પ્લાનીંગ તેમજ કામગીરી માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા સેપ્ટ યુનિવર્સિટીની ઓફર મેળવી કામગીરી કરાવવામાં આવશે. આ તમામ પ્રક્રિયા માટે સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા સમગ્ર સભાની મંજૂરી મેળવવા અને કમિશનરને સત્તા આપવા દરખાસ્ત રજૂ થઈ છે.