- મગરને રેસ્ક્યૂ કરાતાં જ મગર સડસડાટ પાણીમાં ગાયબ થઇ ગયો
વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલા સુએજ પંપીગ સ્ટેશન નજીકના મંદિર બહાર કાટમાળ વચ્ચે મગર ફસાયો હોવાનો રેસ્ક્યૂ કોલ મળ્યો હતો. જીવદયા માટે કામ કરતી સંસ્થાના વોલંટીયર્સે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મગરને સ્થિતીમાંથી મુક્ત કરાવ્યો હતો. મુક્ત થતા જ મગર જોતજોતામાં સડસડાટ પાણીમાં ગાયબ થઇ ગયો હતો.
વડોદરામાં મગર અને માનવ વસ્તી નજીક નજીક રહે છે. સામાન્ય રીતે મગરો અને માનવો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ ઓછી બને છે. વડોદરામાં જીવદયા માટે સ્વયંસેવકોની ફોજ હોવાથી વન્ય જીવો અને માનવો વચ્ચે ઘર્ષણ ઓછું જોવા મળે છે. આજે વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલા સુએજ પંપ પાસેના મંદિર બહાર દિવાલના કાટમાળમાં 12 ફૂટનો મગર ફસાયો હોવાનો રેસ્ક્યૂ કોલ જીવદયા માટે કામ કરતી સંસ્થાને મળ્યો હતો. સંસ્થાના વોલંટીયર્સને રેસ્ક્યૂ કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને મગરને સ્થિતીમાંથી રેસ્ક્યૂ કરાતાં જ મગર સડસડાટ પાણીમાં ગાયબ થઇ ગયો હતો.
સમગ્ર મામલે જીવદયા માટે કામ કરતી સંસ્થાના અગ્રણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કલાલી સુએજ પંપ સ્ટેશનની બાજૂમાં તુટેલી દિવાલની બાજુમાં 12 ફુટ જેટલો મગર પડ્યો હોવાનો કોલ મળ્યો હતો. નજીકથી જ વિશ્વામિત્રી નદી પસાર થઇ રહી છે. અમે સ્થળ પર પહોંચીને જોયું તો મગર સ્વસ્થ હતો. અમે દોરડા વડે મગરને બહાર કાઢીને તેને વિશ્વામિત્રી નદીમાં રીલીઝ કરી દીધો છે.
સમગ્ર મામલે સ્થાનિ શૈલેષ રાવલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ જગ્યા કલાલી રોડ, ગાયત્રી મંદિરની બાજુમાં મોટો ખાડો છે, ત્યાં મગર દેખાયો હતો. મગર પથ્થર વચ્ચે ફસાઇ ગયો હોય તેવું લાગતું હતું. સ્થિતીમાંથી મગરને બહાર કાઢ્યો. જે બાદ મગર જાતે જ વિશ્વામિત્રી નદીમાં જતો રહ્યો છે.