- પોલીસ તપાસમાં મરનાર દંતેશ્વર ગામના રહેવાસી જસવંતસિંહ વાઘેલા હોવાની વિગતો મળતા પોલીસે તેમના પરિવારને જાણ કરી
શહેરના દંતેશ્વર ગામમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનું દંતેશ્વર તળાવમાં રહસ્યમય રીતે ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડના લાશ્કરોએ તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને સ્થળ પર આવી પહોંચેલી પોલીસને મૃદેહનો કબજો સોંપ્યો હતો. પોલીસે મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે શહેરના દંતેશ્વર ગામમાં પરિવાર સાથે રહેતા 80 વર્ષિય જસવંતસિંહ માનસિંહ વાઘેલાનું દંતેશ્વર ગામના તળાવમાં રહસ્યમય રીતે ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સ્થાનિક કોઇ વ્યક્તિએ તળાવમાં મૃતદેહ તરતો જોતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો તુરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને તળાવમાં તરી રહેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો.
દરમિયાન આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઇ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મરનાર દંતેશ્વર ગામના રહેવાસી જસવંતસિંહ વાઘેલા હોવાની વિગતો મળતા પોલીસે તેમના પરિવારને જાણ કરી હતી. જેથી તુરત જ મૃતકનો પુત્ર પૃથ્વીસિંહ વાઘેલા સહિત બંને પુત્રો દોડી આવ્યા હતા અને મૃતદેહ પિતાની હોવાની ઓળખ કરી હતી.
પિતાની છત્રછાયા ગુમાવનાર પૃથ્વિસિંહે જણાવ્યું હતું કે, આજે સવારે પિતા ચા-નાસ્તો કરીને ઘરેથી નીકળ્યા હતા. હું પણ ચા-નાસ્તો કરીને નોકરી જવા માટે નીકળી ગયો હતો. પિતાને શ્વાસની બિમારી હતી, બીજી કોઇ તકલિફ ન હતી. તેમનું તળાવમાં ડૂબી જવાથી કેવી રીતે મોત નીપજ્યું તેની મને ખબર નથી.
દંતેશ્વર તળાવમાં ગામના જસવંતસિહનું રહસ્યમય રીતે ડૂબી જવાથી મોત નીપજતાં ચકચાર મચી ગઇ હતી. હાલ મકરપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે જસવંતસિંહનું ચોક્કસ કંઇ રીતે મોત નીપજ્યું છે તે દીશામાં પણ તપાસ શરૂ કરી છે.