કરચીયા ગામે IOCL કંપનીના સર્વિસ રૂમમાંથી 1.44 કરોડનો સામાન ચોરી કરનાર 8 મહિલાની ધરપકડ

કંપનીના કર્મચારીએ ચોરીની ફરિયાદ જવાહરનગર પોલીસ મથકમાં નોંધાવી હતી

MailVadodara.com - 8-women-arrested-for-stealing-goods-worth-1-44-crores-from-the-service-room-of-IOCL-company-in-Karachia-village

- ગેસ ભરવાની ટેન્ક બનાવતી કંપનીના સર્વિસરુમના પતરાના શેડ ઉંચા કરી આઠેય મહિલાઓએ ભંગાર સમજીને સામાન ચોરી કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું


શહેરના કરચીયા ગામ પાસે IOCL કંપનીના કમ્પાઉન્ડમાં આવેલી ગેસ ભરવાની ટેન્ક બનાવતી કંપનીના સર્વિસરુમના પતરાના શેડ ઉંચા કરી અંદર પ્રવેશી 1.44 કરોડ રૂપિયાનો સર્વિસ સામાન ચોરી કરનાર ભંગાર ભેગો કરતી આઠ મહિલાઓની જવાહરનગર પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. કરચીયા પાર્વતીનગરમાં રહેતી મહિલાઓએ ભંગાર સમજીને ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

શહેરના ગોરવા વિસ્તારમાં એફ-3, સંદલી પાર્કમાં રહેતા અખ્તરહુસેન અહેમદભાઇ રણા પરિવાર સાથે રહે છે અને ગોરવા જી.આઇ.ડી.સી. પાસે ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત સી-17, 78 નંબરના પ્લોટમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ એક્ષ-રે એન્ડ અલાઇડ રેડીયોગ્રાફર્સ ઇન્ડીયા પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં 10 વર્ષથી સિનીયર એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવે છે. તેઓએ કંપનીમાં થયેલી ચોરીની ફરિયાદ જવાહરનગર પોલીસ મથકમાં નોંધાવી હતી.


આ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કંપની દ્વારા ગેસ સ્ટોરેજ ટેન્ક બનાવવામાં આવે છે, જેમાં ગેસનો સંગ્રહ થાય થાય છે અને આ ટેન્ક કરચીયા ખાતે આવેલી IOCL કંપનીને આપે છે. આ કંપની દ્વારા ગેસ સ્ટોરેજ ટેન્ક લીકેજ ચેક કરવા માટે કરચીયા ખાતે પોતાની જગ્યામાં એસેસરીઝ રાખવા માટે પતરાંનો સર્વિસ રૂમ આપ્યો છે. જેમાં જી.આર. એન્જિનીયરીંગ કંપની દ્વારા એન.ડી.ટી.- પી.એ.યુ.ટી. નો ઇક્યુપમેન્ટ એસેસરીઝ સામાન મૂક્યો હતો. જે રૂપિયા 1.44 કરોડનો સામાન કોઇ અજાણ્યા વ્યક્તિઓ ચોરી કરી ગયા છે.


ચોરીના આ બનાવ અંગે જવાહરનગર પોલીસ મથકના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ધર્મન્દ્રસિંહ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઇને માહિતી મળી હતી કે, કરચીયા ગામની સીમમાં આવેલી જી.આર. એન્જિનીયરીંગ કંપનીમાં કરચીયા-બાજવા રોડ ઉપર આવેલ પાર્વતીનગરમાં રહેતી અને ભંગાર ભેગો કરતી મહિલાઓએ ચોરી કરી છે. જે માહિતીના આધારે જવાહરનગર પોલીસ મથકના પી.આઇ. એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ જવાહરનગર પોલીસ મથકના સ્ટાફે એક પછી એક આઠ મહિલાઓને ચોરીના સામાન સાથે ધરપકડ કરી હતી.


ગણતરીના કલાકોમાં જ 1.44 કરોડના સામાનની ચોરીનો પર્દાફાશ કરનાર જવાહરનગર પોલીસ દ્વારા આ ચોરીના બનાવમાં કરચીયા-બાજવા રોડ ઉપર આવેલ પાર્વતીનગરમાં રહેતા લીલા ભલાભાઇ પરમાર, અમીતા મહેશભાઇ હરીજન, પારુલ કપિલભાઇ ચૌહાણ, જીવી રાજેન્દ્રભાઇ હરીજન, કપિલા ભગવાનભાઇ હરીજન, સુમિત્રા ઉર્ફ સંગીતા રમેશભાઇ હરીજન, રેશ્મા ધર્મેન્દ્રભાઇ પરમાર અને રેવા બુધાભાઇ હરીજનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ આઠ મહિલાઓ દ્વારા ચોરી કરવામાં આવેલ તમામ સામાન કબ્જે કરવામાં આવ્યો હતો.

એ.સી.પી. આર.ડી. કાવા જણાવ્યું હતું કે, તા.30-4-023 થી 2-5-023 દરમિયાન કરચીયા ખાતે આવેલી ગેસની ટેન્ક બનાવતી કંપનીમાંથી થયેલા ઇન્સ્ટ્રુમેન્ટની ચોરી થઇ હતી. આ બનાવની ફરિયાદ જવાહર પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવમાં ભંગાર ભેગો કરતી 8 મહિલાઓ દ્વારા ચોરી કરી હોવાની વિગતો મળતા પોલીસે તમામ આઠ મહિલા આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસ તપાસમાં આ આઠ મહિલાઓ ભંગાર વીણીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાઓ ભંગાર વીણતી-વીણતી કંપનીના શેડ પાસે પહોંચી હતી અને પતરું ઉંચું કરી શેડમાં પ્રવેશી શેડમાં પડેલો સામાન ચોરી કરી ગઇ હતી. પાર્વતીનગરની આઠ મહિલાઓ ચોરીના ગુનામાં ઝડપાતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.

Share :

Leave a Comments