શહેરમાં રસ્તા ઉપર રખડતી ગાયો પકડવા પાલિકાની ઢોર પાર્ટીની 8 ટીમ મેદાનમાં ઉતરી, ગાયો બચાવવા પશુપાલકોની દોડધામ

ગેરકાયદે ઢોરોવાડાઓને પણ જમીન દોસ્ત કરવા તેમજ સીલીંગ મારવાની કામગીરી શરૂ કરાઇ

MailVadodara.com - 8-teams-of-municipal-cattle-party-in-the-field-to-catch-stray-cows-on-the-city-roads

- ગાયે વૃદ્ધાને કચડી નાખવાના બનાવમાં મકરપુરા પોલીસે મોડી રાત્રે ગાયના માલિક કિરણ રબારીની ધરપકડ કરી હતી

- પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી ઢોર પાર્ટી રખડતી ગાયો પકડવા કામે લાગી, બે ગાયો પકડી


વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં ગઈકાલે રસ્તે રખડતી બે ગાયે એક વૃદ્ધાને કચડી નાખી મોતને ઘાટ ઉતારી દેવાની હચમચાવી નાખતી ઘટના બની હતી. આ મામલે બંને ગાયના માલિક કિરણ રબારી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીની 8 ટીમ આજે બીજા દિવસે પણ રસ્તે રખડતી ગાયોને ડબ્બામાં પુરવા માટે તેમજ ગેરકાયદે ઢોર વાડાઓ સામે સીલ મારવા સહિતની કાર્યવાહી કરવા માટે સવારથી જ મેદાનમાં ઉતરી પડી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે વહેલી સવારથી ઢોર પાર્ટીએ કામગીરી શરૂ કરતા પશુપાલકો પણ પોતાના પશુઓને ઢોર ડબ્બામાં પૂરતા બચાવવા માટે મેદાનમાં ઊતરી પડતા માર્ગો ઉપર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઢોર પાર્ટીની ટીમને સોમા તળાવ વિસ્તારમાં રખડતી બે ગાયો હાથ લાગી હતી.


શુક્રવારે શહેરના માણેજા વિસ્તારના સત્યમનગરમાં રહેતા 60 વર્ષીય ગંગાબેન જીતુભાઈ પરમાર નામની વૃદ્ધાને રસ્તા ઉપર રખડતી ગાયના ટોળા પૈકીની એક ગાયે ભેટીએ ચઢાવી હતી અને લાતો મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવમાં મકરપુરા પોલીસ મથકમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને આ મામલે મોડી રાત્રે બંને ગાયના માલિક કિરણ મૂળજીભાઈ રબારી (ઉ.27), (રહે.143, શ્રીજી ટેનામેન્ટ, માણેજા, વડોદરા) સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. આ ઘટના બાદ વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટી કામે લાગી હતી અને માણેજા વિસ્તારમાંથી રખડતી 51 ગાયો-વાછરડા ગાયોને ઢોર ડબામાં પૂરી દીધી હતી. તે સાથે ગેરકાયદે ઢોરોવાડાઓને પણ જમીન દોસ્ત કરવા તેમજ સીલીંગ મારવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં એક ગેરકાયદેસર ઢોરવાડાને તોડી પાડવામાં આવ્યો હતો.


ગાયોના માલિક કિરણ મૂળજીભાઈ રબારી.


શુક્રવારે બનેલી આ ઘટનાને પગલે કોર્પોરેશનના સત્તાવાળાઓ સામે શહેરીજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને રસ્તા પર રખડતી ગાયોના ત્રાસને દૂર કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો. જેના પગલે કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રસ્તાઓ ઉપર ગાયો છૂટી મૂકી દેતા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ જારી કર્યા હતા. આ દરમિયાન આજે સવારથી જ વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીની 8 ટીમો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના આજવા રોડ, સયાજીપુરા, મકરપુરા, સોમા તળાવ, ડભોઇ રોડ, વાઘોડિયા રોડ સહિત વિવિધ વિસ્તારોમાં રસ્તા ઉપર રખડતી ગાયોને ડબ્બામાં પુરવા માટે કામે લાગી ગઈ હતી. તે સાથે ગેરકાયદે ઢોરવાડાઓને તોડવાની તેમજ સીલ કરવાની કામગીરી પણ કરવાનું શરૂ કર્યું હતું.


પશુપાલકોએ પોતાની ગાયોને ઢોર પાર્ટીના ડબ્બામાં પૂરતી બચાવવા માટે પણ પ્રયાસો કર્યા હતા અને પશુપાલકો પણ પોતાની રખડતી ગાયોને સલામત સ્થળે લઈ જવા માટે દોડધામ કરી મૂકી હતી. આજવા રોડ, સાયાજીપુરા વિસ્તારમાં પશુપાલકોનું ટોળું બાઈક ઉપર પોતાની ગાયોને ડબામાં પૂરતી બચાવવા માટે દોડધામ કરી મુકતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જોકે, ઢોર પાર્ટી દ્વારા સોમા તળાવ ચાર રસ્તા પાસેથી રસ્તે રખડતી બે ગાયોને ડબામાં પૂરી દીધી હતી.


ઉલ્લેખનિય બાબત એ છે કે જ્યારે જ્યારે ઘટના બને છે ત્યારે કોર્પોરેશનની ઢોર પાર્ટી સફાડી જાગે છે અને કામગીરી શરૂ કરે છે. પરંતુ કાયમી ધોરણે આ કામગીરી યથાવત રાખવાને બદલે ઘટના બને ત્યારે જ કામગીરી કરતી હોવાના પણ આક્ષેપો શહેરીજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા સતત ત્રણ શિફ્ટમાં રસ્તા ઉપર રખડતી ગાયોને ઢોર ડબામાં પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. 

વડોદરા કોર્પોરેશન દ્વારા શુક્રવારની ઘટના બાદ એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં તા. 16-1-022 થી તા. 3-3-023 સુધીમાં 22 પશુપાલકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે, અને 58,600 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા ત્રણ શિફ્ટમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આમ છતાં, શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોનો ત્રાસ યથાવત છે. અને લોકો તેનો ભોગ બની રહ્યા છે.

Share :

Leave a Comments