વડોદરામાં જેલમાંથી છૂટેલા વ્યાજખોરના ઘરે જઇ 6 શખ્સોએ મોડીરાત્રે પથ્થરમારો કરી ખંડણી માગી

અટલાદરામાં રહેતો પ્રદીપ પટેલ ત્રણ દિવસ પહેલાં જામીન ઉપર છૂટ્યો હતો

MailVadodara.com - 6-persons-went-to-the-house-of-a-loan-shark-released-from-jail-in-Vadodara-and-demanded-ransom-by-pelting-stones-late-at-night

- છરા સાથે કહ્યું- 20 લાખ આપો નહીં તો જાનથી મારી નાંખીશું


વડોદરામાં વ્યાજે રૂપિયા આપતા ફાઇનાન્સ કંપનીના સંચાલકના ઘરે 6 ઇસમોએ પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઇ હતી. વ્યાજખોરે જેને રૂપિયા વ્યાજે આપ્યા હતા, તે મહિલાના સંબંધીએ 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. વ્યાજખોરની પત્નીએ આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા કેયુરીબેન પ્રદીપ પટેલ (ઉ.વ.36)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિ નિલકંઠ ફાઇનાન્સ કંપનીમાં ધીરધારનો વ્યવસાય કરે છે. લલિતાબેન સોલંકી નામની મહિલાએ મારા પતિ પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા. આજથી આશરે બે-ત્રણ મહિના પહેલા લલિતાબેને મારા પતિ સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં વ્યાજખોરના ભોગ બનેલા કર્જદારે વ્યાજખોર પ્રદિપ પટેલે મુદ્દલ બમણું વ્યાજ વસૂલવા છતાં વ્યાજપેટે નાણાં બાકી કાઢી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ મુક્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મારા પતિ જામીન પર છુટ્યા હતા. લલિતાબેન સોલંકીના સંબંધી ગૌરવ સોલંકીએ મારા પતિને કહ્યું હતું કે, જામીન મળી ગયા છે, તો હવે તમારે 20 લાખ રૂપિયા મને આપવા પડશે. તેમ કહીને ખંડણી માંગતો હતો.


આ દરમિયાન રાત્રે 12.15 વાગ્યાની આસપાસ હું, મારા બાળકો અને મારા માતા ઘરે હાજર હતા અને મારા પતિ કામથી બહાર ગયા હતા અને મારા પતિ કામથી બહાર ગયા હતા. તે સમયે ગૌરવ સૌલંકી અને બીજા આશરે 5 ઇસમો અલગ-અલગ ત્રણેય ટુ-વ્હીલર વાહનો સાથે અમારા ઘરે આવ્યા હતા અને ઘરની બહાર મારા પતિ પ્રદીપનું નામ લઇને ગંદી ગાળો બોલવા લાગ્યા હતા, તેઓ અમારા ઘરની દરવાજો ખખડાવવા લાગ્યા હતા અને અમારા ઘર પર છુટ્ટા પથ્થરો મારી અમારા ઘરની બારીના કાચ તોડી નાખ્યા હતા. જેથી અમે ગભરાઇ જાને ઘરનો દરવાજો ખોલ્યો નહોતો.


મેં બારીમાંથી જોતા ગૌરવ સોલંકી હાથમાં મોટો છરો લઇને આવ્યો હતો અને જોરજોરથી મારા પતિનું નામ લઇને ગંદી ગાળો બોલતો હતો અને 20 લાખ રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી બૂમો પાડતો હતો. જેથી અમે લોકો ગભરાઇ ગયા હતા અને ઘરની પાછળના દરવાજાથી આજુબાજુમાં બૂમો પાડીને મદદ માટે બોલાવતા સોસાયટીના લોકો આવી ગયા હતા. જેથી ગૌરવ સોલંકી અને 5 ઇસમો વાહનોમાં બેસીને ભાગી ગયા હતા. ત્યાં હાજર લોકોએ હુમલો કરવા આવેલા ઇસમો પૈકી બે ઇસમો આકાશ કમલ થાપા અને મનોજ યાદવ હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.


ઉલ્લેખનિય છે કે, અટલાદરા પ્રમુખ સ્વામી રેસિડેન્સીમાં રહેતા અને વ્યાજનો ગેરકાયદેસર ધંધો કરતાં પ્રદીપ પટેલ વિરુદ્ધ બાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી, જેમાં વ્યાજખોરના ભોગ બનેલા કર્જદારે વ્યાજખોર પ્રદિપ પટેલે મુદ્દલ કરતા બમણું વ્યાજ વસૂલવા છતાં, વ્યાજપેટે નાણાં બાકી કાઢી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ મૂક્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન, વ્યાજખોર આરોપી ત્રણ દિવસ પહેલાં પ્રદીપ ડાહ્યાભાઈ પટેલ જામીન ઉપર છૂટી ગયો હતો.

વ્યાજખોર પ્રદીપ પટેલની પત્નીએ જણાવેલી માહિતી પ્રમાણે હુમલાખોર ગૌરવ સોલંકી અગાઉ પણ વાડી પોલીસ મથકમાં ફાયરિંગ જેવા ગુનામાં સંડોવાયેલો છે અને માથાભારે ગુંડા તત્વો સાથે ઘરોબો ધરાવે છે.

Share :

Leave a Comments