પ્રજાના પરસેવાના રૂ.52 લાખ પાલિકાના શાસકોએ સાયકલ ટ્રેકના નામે ફૂંકી માર્યા.!!

`અપના કામ બનતા ભાડ મેં જાયે જનતા..!!'

MailVadodara.com - 52-lakhs-of-peoples-sweat-was-blown-by-the-municipal-rulers-in-the-name-of-cycle-track

- પાલિકાના દરેક કામમાં ચંચુપાત કરતા સંગઠનની પણ બોલતી બંધ..!!

- સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલ અને સભ્યોના આંધળુકિયા સામે કમિશનર પણ પાણીમાં બેસી ગયા..??


વડોદરા શહેરના શાસકોના  પાપે સાયકલ ટ્રેકના નામે રૂપિયા ૫૨ લાખ ફૂંકાઈ ગયા.. સાયકલ ટ્રેકના નામે થયેલા આંધળુંકિયા અંગે શાસકોને સાપ સૂંઘી ગયો છે. છેવટે પ્રજાના પરસેવાની કમાણી જીદ અને અણ આવડતને ભેટ ચઢી ગઈ.. જાણે નેતાઓ ફિલ્મી ગીતને સાર્થક સાબિત કરી રહ્યા છે. 'અપના કામ  બનતા ભાડ મેં જાયે જનતા..!!'


પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની ત્રેવડ નહીં ધરાવતા શાસકોને વિકાસની વ્યાખ્યા શું છે એ કદાચ ખબર હોત તો વડોદરાની આવી દશા ના થઈ હોત..શાશકોની આવડત સામે સ્ટ્રક્ચર એન્જીનીયરો અને આર્કીટેક્ટ પણ પાણી ભરે છે.. વડોદરાના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની, ડ્રેનેજ અને રોડની સમસ્યા શાસકો સામે વિકરાળ મ્હોં ફાડી ઉભી છે ત્યારે શાસકોના  ફળદ્રુપ ભેજામાં સાયકલ ટ્રેક બનાવવાનો વિચાર આવ્યો અને એ પણ ટ્રાફીકથી ધમધમતા રોડ પર..સત્તા ના નશામાં કોઈને પૂછવાનું કે વિચારવાને અવકાશ હોતો નથી. 'રાજા બોલે અને દાઢી હાલે' એવી રીતે વિશ્વમાં ક્યાંય જોયો ના હોય એવો સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો..બધી સમસ્યાઓ અને ફરિયાદ અભરાઈએ ચઢાવી અધિકારીઓ પણ શાસકોને  ખુશ રાખવા મંડી પડ્યા રૂ. ૧.૮૭ કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવવા.. રૂપિયા ૫૨ લાખ ખર્ચી નાખ્યાં માત્ર ગુલાબી પટ્ટા મારવામાં... વિકાસનું તીર માર્યું હોય એમ હરખપદુડા થયેલા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલે ઉમળકાભેર સાયકલ ટ્રેક ખુલ્લો મુક્યો..


જો કે આ ઉદ્ધઘાટન કાર્યક્રમમાં પાલિકાના મેયર સહિત એક પણ હોદ્દેદારો કે સંગઠનના એક પણ હોદેદારો ફરક્યા શુદ્ધા નહીં. તો શું એમને અગાઉથી ખબર હતી કે આ આંધળુંકિયું છે..? સાયકલ ટ્રેકના નામે પ્રજાના નાણાં વેડફાયા હોવાનો અહેવાલ મેઈલ વડોદરા એ રજૂ કર્યો હતો. આ અહેવાલ ને પગલે મ્યુ. કમિશનર દિલીપ રાણા બીજા જ દિવસે અધિકારીઓ સાથે સ્થળ પર દોડી ગયા હતા. તેમણે સાયકલ ટ્રેકમાં સુધારો  વધારો કરી વ્યવસ્થિત બનાવવાની સૂચના આપી હતી.


જો કે કમિશનરની સૂચના  "શેઠ ની શિખામણ ઝાંપા સુધી" સાબિત થઈ. આ વાત ને પણ લાંબો સમય વીતી ગયો. પરિસ્થિતિ એ જ છે જે ડૉ. હિતેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું ત્યારે હતી. આજે કેટલાક સ્થળોએ તો સાયકલ ટ્રેક શોધવો પડે એવી પરિસ્થિતિ છે. ગંદકીના અંબાર નીચે સાયકલ ટ્રેકના પટ્ટા અદ્રશ્ય થઈ ગયા છે. શું આવી ગંદકીમાં ડૉ. હિતેન્દ્ર પટેલ  સાયકલ ચલાવી શકશે..? ઠેર-ઠેર પાર્કિંગ અને દબાણો વચ્ચે લોકોમાં હાસ્યાસ્પદ બની રહેલા સાયકલ ટ્રેક પાછળ શું રૂ.૫૨ લાખ ફૂંકાઈ ગયા છે..? આવી રીતે નાણાં કેમ વેડફાયા એનો જવાબ આપવાને બદલે શાસકો મોઢું છુપાવે છે. કમિશનર દિલીપ રાણાને આ અંગે પૂછતાં તેમણે સાયકલ ટ્રેક બનાવિશુ એમ જરૂર કહે છે. પરંતુ તેમના જવાબ ને આજે એક અઠવાડિયા બાદ પણ કોઈ ફરક જોવા મળતો નથી. અહીં સવાલ એ છે કે સાયકલ ટ્રેક બનાવાતા પહેલા તેની શક્યતાઓ વિશે કેમ વિચારવામાં ના આવ્યું..? શું કોઈ એક નેતા વિચારે એનો અમલ કરવો અનિવાર્ય છે..? પ્રજાના પરસેવાની કમાણી થી ભરાતા ટેક્ષના નાણાં આવી રીતે વેડફી નાખવાની સત્તા કોણે આપી..? શું શાસકો પ્રજાને મૂર્ખ સમજે છે..? પાલિકાના દરેક કામમાં ચંચુપાત કરતું સંગઠન કેમ મૌન છે..? પ્રજા આવા વિશ્વમાં ક્યાંય જોવા ના મળે એવા સાયકલ ટ્રેકને વિકાસ  માનશે..? રાજ્ય સરકારે આવા આંધળુંકિયા સામે તપાસ કરી દાખલો ના બેસાડવો જોઈએ..? આવા  અનેક સવાલોનો જવાબ શાસકો પાસે નથી.

Share :

Leave a Comments