- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે છાણીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
વડોદરા શહેરના પદમલા પાસે પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની બસને અકસ્માત થતા છાણી ખાતે આવેલી પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કામ કરતા ચાર કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.
આણંદથી વડોદરા કર્મચારીઓને લઈને આવી રહેલી પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની લક્ઝરી બસને અકસ્માત થતા 4 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. લક્ઝરી બસના ડ્રાઈવર યુનુસભાઈ અબ્દુલભાઈ વ્હોરાએ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 28 માર્ચના રોજ સવારે 9:25ની આસપાસ હું કંપનીની બસમાં કર્મચારીઓને લઈને આણંદથી વડોદરા આવી રહ્યો હતો. આ સમયે લક્ઝરી બસને પદમલા પાસે અકસ્માત નડ્યો હતો.
નેશનલ હાઇવે પર સામેથી રોંગ સાઈડ આવી રહેલા બાઇક ચલકને બચાવવા જતા મેં લક્ઝરી બસ સર્વિસ રોડ પર લઈ લીધી હતી, જો કે, આ સમયે સામેથી રોંગ સાઈડ પર એક ટ્રક ચાલક આવી રહ્યો હતો, જેથી બસ ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં બસમાં બેઠેલા કર્મચારીઓ ઝરણા પટેલ, હેમંત ચૌહાણ, મહેશ પટેલ અને રૂપલ દવે ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેઓને સારવાર અર્થે છાણીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.