- ડોક્ટર ફિક્સીટ પાવડરની 230 બેગો, પાયલોટીંગ કરતી બે કાર, દારુ-બિયરની પેટી અને ટેમ્પો, મોબાઇલ ફોન મળી 28 લાખનો મુદ્દામાલ જપ્ત
- પોલીસે ફરાર બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી
વડોદરા શહેરમાં ટેમ્પોમાં ડોક્ટર ફિક્સીટ પાઉડર ભરેલી બેગોની આડમાં લવાતો રૂપિયા 6.45 લાખની કિંમતનો 139 દારુ-બિયરની પેટીઓ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. બે કારના પાયલોટીંગ સાથે વડોદરામાં લવાતા દારુના જથ્થા સાથે પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. જ્યારે ફરાર થઇ ગયેલા બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. LCBએ આ ગુનામાં દારુનો જથ્થા સહિત રૂપિયા 28 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, LCBની ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ કનુભાઇ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મેહુલસિંહને માહિતી મળી હતી કે, એક ટેમ્પોમાં પાવડરની બેગોની આડમાં દારુનો જથ્થો ટેમ્પોની આગળ-પાછળ બે કારના પાયલોટીંગ સાથે ભરૂચ તરફથી વડોદરા તરફ લવાઇ રહ્યો છે.
તેમણે જણાવ્યું કે, આ ચોક્કસ માહિતીના આધારે LCBની ટીમોએ હાઇ-વે ઉપર વોચ ગોઠવી દીધી હતી પરંતુ, દારુનો જથ્થો ભરેલા ટેમ્પોએ પાયલોટીંગ સાથે કરજણ ક્રોસ કરી દીધું હતું. જો કે, LCBની ટીમે દારુ ભરેલા ટેમ્પોનો પીછો કર્યો હતો અને બામણગામ પાસે રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, ટેમ્પો ચાલકે ટેમ્પો ઉભો રાખવાના બદલે યુ-ટર્ન લઇને બામણ ગામ તરફ ભગાડી મૂક્યો હતો. પોલીસે પણ તેઓનો પીછો જારી રાખ્યો હતો.
આ દરમિયાન દારુની ભરેલ ટેમ્પોને ઝડપી પાડ્યો હતો. જો કે, ટેમ્પોચાલક અને કારમાં પાયલોટીંગ કરી રહેલા કારનો ચાલક અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયા હતા. જો કે, પોલીસે ટેમ્પોમાંથી બે અને કારમાંથી બે વ્યક્તિ મળી 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાંથી ડૉક્ટર ફીક્સીટ પાવડરની બેગોની આડમાં લઇ જવાતો રૂપિયા 6.45 લાખની કિંમતનો દારુ-બિયરની 139 પેટી મળી આવી હતી. પોલીસે રૂપિયા 1,26,098ની કિંમતની ડોક્ટર ફિક્સીટ પાવડરની 230 બેગો, દારુ-બિયરની પેટીઓ અને ટેમ્પો, પાયલોટીંગ કરી રહેલી બે કાર, મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 28,01,698નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
LCB પી.આઇ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, દારુની હેરાફેરી અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક સુચના આપવામાં આવી છે. LCB દ્વારા કરજણના બામણ ગામ પાસેથી ઝડપી પાડવામાં આવેલા દારુના જથ્થાની સાથે દિવ્યેશ ઘનશ્યામ પીઠવા (રહે. દેરોલ ગામ, ભરૂચ), જૈનેશ મુકેશ પટેલ (રહે. એ-૨૪૩૮ મિંગસપુરા, ભરૂચ), સતપાલસિંગ ધ્યાનસિંગ સંધુ (રહે. ૧૮૪ હિંમતનગર, ધનયાવી રોડ, વડોદરા) અને લખવિન્દરસિંગ ભારતભૂષણ વાલીયા (રહે. 98, હિંમતનગર, ધનયાવી રોડ, વડોદરા)ની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે, આ ગુનામાં ફરાર થઇ ગયેલા વ્યક્તિઓ અંગે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેઓએ પ્રજ્ઞેશભાઇ ચંદુભાઇ પરમાર (રહે. 240, હિંમતનગર ગુરૂકુલ સ્કુલની સામે ધનિયાવી રોડ, તરસાલી બાય પાસ, વડોદરા ) હોવાનું જણાવ્યું હતું. તેમજ આ ઇંગ્લીશ દારૂનો જથ્થો હિતેશ ઉર્ફે સોમા ઘનશ્યામ પટેલે (રહે. મેથી ગામ, તા.કરજણ, વડોદરા) મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ પોલીસની પૂછપરછમાં આ દારુનો જથ્થો વડોદરા શહેરમાં આપવાનો હોવાથી વડોદરા જવાનું હતું. પોલીસે આ ગુનામાં ફરાર બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.
આ દરમિયાન LCBએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે ફરિયાદના આધારે ઝડપાયેલા ચાર આરોપીઓ સહિત 6 આરોપીઓ સામે પ્રોહિબીશન હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે કરજણના બામણ ગામ પાસેથી દારુનો જંગી જથ્થો ઝડપી પાડતા દારુની હેરાફેરી કરી રહેલા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.