- દ્વારકામાં 1200 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ તૈયાર થશે, 2024 સુધીમાં દેશના તમામ હાઇવે રસ્તા અમેરિકા જેવા થઈ જશે : નીતિન ગડકરી
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતીન ગડકરી આજે ગુજરાતની મુલાકાતે છે તેઓના હસ્તે વડોદરામાં અલગ અલગ બે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી વડોદરા અમદાવાદ વચ્ચે રોડ કનેકટીવીટી વધશે. વાહન ચાલકોને ટ્રાફીકની સમસ્યામાંથી મુકિત મળશે અને વડોદરાથી અમદાવાદ જવાના સમયમાં 35 મીનીટનો સમય બચશે. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો દેશનો વિકાસ થશે નહીં પરંતુ હવે ભારત સરકારે 2024 સુધીમાં અમેરિકા જેવા રસ્તા થઈ જાય એ પ્રમાણેના હાઇવે બનાવવાના પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ કરાશે.
નેશનલ હાઇવે પર અકસ્માત ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વડોદરાના દેણા ચોકડી ખાતે 16 કરોડના ખર્ચ તથા દુમાડ ચોકડી ખાતે 36 કરોડના ખર્ચ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજે કેન્દ્રીય માર્ગ પરિવહન વિભાગના મંત્રી નીતીનભાઇ ગડકરીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ઝોન એફ કેનેડીએ કહ્યું હતું કે રસ્તા સારા થયા છે તેને કારણે અમેરિકા સમૃદ્ધ થયું છે. અગાઉ મહારાષ્ટ્ર સરકારમાં પણ મને કામ કરવાની તક મળી હતી, ત્યારબાદ પ્રધાનમંત્રી જ્યારે અટલજી હતા ત્યારે મને ચર્ચા માટે બોલાવ્યો હતો. તે સમયે ગ્રામ સડક યોજના નો અમલ કરવાનો પ્રોજેક્ટનું સૂચન કર્યું હતું અને આજે દેશભરમાં અનેક ગામડાઓને મુખ્ય રસ્તાથી જોડવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2024 સુધીમાં દેશના તમામ હાઇવે રસ્તા અમેરિકા જેવા થઈ જશે તેમણે ઉમેર્યું હતું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈને મળ્યો હતો ત્યારે તેમણે ગુજરાતમાં દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજ તૈયાર કરવાનું સૂચન કર્યું હતું. તે પ્રમાણે રૂપિયા 1200 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ જન્માષ્ટમીના દિવસે તૈયાર થઈ જશે, જેનું ઉદ્ઘાટન કરવા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે તેમ તેમણે ખાતરી આપી છે.
તેમણે ગુજરાતમાં બે લાખ કરોડની કિંમતના નવીન રસ્તાઓના કામો ઝડપે ચાલી રહ્યા છે. જેનાથી ગુજરાતના વિકાસમાં વધુ ઝડપ આવશે, તેવી આશા વ્યક્ત કરી હતી તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દેશમાં અકસ્માતથી દોઢ લાખ લોકોના મરણ થાય છે જેને કારણે 3% જીડીપીને નુકસાન થાય છે ત્યારે હવે હાઇવે પર થતા અકસ્માતને અટકાવવા બ્લેક સ્પોટના નિવારણ માટે દરેક જિલ્લા કક્ષાએ અકસ્માત નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે જેના કારણે મૃત્યુદરમાં 22% નો ઘટાડો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ તકે રાજય સરકારના મંત્રી હર્ષ સંધવી, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય બાલકૃષ્ણ, મનીષાબેન વકીલ, યોગેશભાઇ પટેલ, કેયુર રોકડીયા, ચૈતન્ય દેસાઇ, કેતનભાઇ ઇમાનદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મેયર નિલેશભાઇ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.