અમદાવાદનાં ભેજાબાજે કેમેરો અને લાઇટ વેચવાના બહાને વડોદરાનાં ફોટોગ્રાફર સાથે 32,500 રૂપિયાની છેતરપિંડી કરી. જ્યારે ફોટોગ્રાફરને ખ્યાલ પડ્યો કે, તેની સાથે છેતરપિંડી થઈ છે તો તેણે તુરંત જ પોલીસ ફરિયાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. આ મામલે ફરિયાદ નોંધાતા જે.પી. રોડ પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
વડોદરાનાં તાંદલજા વિસ્તારમાં રહેતા સીદ્દીકભાઇ કામસભાઇ ઘાંચી (ઉ.33)એ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ફોટોગ્રાફી સ્ટુડિયો ચલાવીને મારું ગુજરાન ચલાવું છું. છેલ્લા એક વર્ષથી મારા વ્હોટ્સએપ પર ફોટોગ્રાફીને લગતી ઇલેક્ટ્રીક વસ્તુઓ વેચવા માટે મેસેજ આવતા હતા.
ગત 18 જૂન-2022નાં રોજ હું મારા ઘરે હતો. તે સમયે મને ફોટોગ્રાફીને લગતા આવેલા મેસેજ જોઇને મેં કેમેરો અને કેમેરાની લાઇટની જરૂરિયાત હોવાથી વ્હોટ્સએપ નંબર પર તેનો સંપર્ક કર્યો. જેથી મને તેણે આધારકાર્ડનો ફોટો વ્હોટ્સએપ પર મોકલ્યો હતો. આ આધારકાર્ડ મુજબ તેનું નામ બટ્ટા રહિતવિક અનિલકુમાર (રહે. બી-36, કેશવપાર્ક સોસાયટી, સ્વામીનારાયણ મંદિર, નરોડા, અમદાવાદ) હતું. વ્હોટ્સએપ પર થયેલી ચર્ચા મુજબ તેણે કેમેરાની કિંમત 65 હજાર અને લાઈટની કિંમત 15 હજાર નક્કી કરી હતી. આ બંને કિંમત મળીને કુલ 80 હજાર રૂપિયા થશે તેમ જણાવ્યું હતું એટલે મે એડવાન્સ પેટે 32,500 રૂપિયા ગુગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા.
એક અઠવાડિયામાં કેમેરો અને લાઈટ મળી જશે તેવો વાયદો કર્યો હતો અને પછી ખોટા-ખોટા વાયદાઓ કરીને સામાન મોકલાવ્યો નહોતો અને મને ઉડાઉ જવાબો આપ્યા હતા. કેમેરો અને લાઇટ ન મોકલીને તેણે મારી સાથે છેતરપિંડી કરી હતી. જેથી આરોપી રહિતવિત બટ્ટા સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.