- વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા શખસો પાસેથી બાઇક, રોકડ સહિત કુલ રૂપિયા 69,750નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અવાર-નવાર ઘરફોડ ચોરીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વડોદરા શહેર, ગ્રામ્ય સહિત આણંદ અને ગોધરા જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર સીકલીગર ગેંગના ત્રણ શખસોને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘરફોડ અંગેના ગુનાઓ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ કૃણાલ પટેલ વડોદરા ગ્રામ્યના અધિકારીઓ અને સ્ટાફને જરૂરી સુચના આપી મિલકત સંબંધી ગુનાઓ શોધવા તેમજ બનતા અટકાવવા અર્થે અગાઉ પકડાયેલા આરોપીઓ ઉપર વોચ રાખી રહ્યા હતા. તે દરમિયાન એલ.સી.બી ટીમ ગઇકાલ રાત્રે વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલા સીકલીગર ગેંગના શખસો બાઇક લઈને આવી રહ્યા હતા.
આ બાતમીના આધારે બાઇક લઇને પીપળીયા ગામ તરફથી વાઘોડીયા ટાઉન ઠક્કર હોટલ ત્રણ રસ્તા ઉપર આવતા આ શખસોને ઝડપી પાડી પૂછપરછ કરી હતી. આ શખસોમાં કિરપાલસિંગ ઉર્ફે પાલેસિંગ તારાસિંગ તીલપીઠીયા (સીકલીગર) (રહે. ઇન્દિરાનગરી, ઝુપડપટ્ટી, સરકારી દવાખાના પાછળ, કોયલી ચોરા, કોયલી તા.જી.વડોદરા), રાજાસિંગ ઉર્ફે રાજા માધુસિંગ ટાંક સરદાર (સીકલીગર) (હાલ રહે. ડેસર, ઝાપવાળુ ફળીયુ, ભાથીજી મંદિર સામે તા.ડેસર જી.વડોદરા મુળ રહે.ભાથુજીનગર ઝુંપડપટ્ટી, મોતીપાર્ક સોસાયટી પાછળ, સરદાર એસ્ટેટ રોડ, ખોડીયારનગર ચોકડી, વડોદરા શહેર), ભીલસિંગ ઉર્ફે સંતોકસિંગ રતનસિંગ ટાંક (સરદાર) (રહે. સેવાલીયા નવીનગરી, તા.ગળતેશ્વર જી.ખેડા મુળ રહે. ભાથીજીનગર ઝુપડપટ્ટી, મોતીપાર્ક સોસાયટી પાછળ, સરદાર એસ્ટેટ રોડ, ખોડીયાનગર ચોકડી, વડોદરા શહેર)ને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
આ શખસો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી તેઓને વધુ વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતા ભીલસિંગ ઉર્ફે સંતોકસિંગ ટાંક દ્વારા પોતે અન્ય બે પકડાયેલા શખસો સાથે સતનામસિંગ છોટુસિંગ બાવરી (રહે.ગોધરા બસ સ્ટેન્ડની સામે, ગુરુદ્વારાની બાજુમાં, શહેરા રોડ, ગોધરા), કિરણસિંગ ઇન્દ્રસિંગ બાવરી (રહે. ઇન્દિરાનગરી ઝુપડપટ્ટી, સરકારી દવાખાના પાછળ, કોયલી, વડોદરા શહેર) સાથે મળીને વડોદરા ગ્રામ્ય, વડોદરા શહેર, આણંદ તથા ગોધરા ખાતે આવેલા અલગ અલગ બંધ મકાનોના નકુચાઓ તોડીને ચોરી કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
આ તમામ શખસો વડોદરા ગ્રામ્ય જિલ્લાના વાઘોડિયા, પાદરામાં બે, ભાદરવા બે અને આણંદ જિલ્લાના ભાદરણ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. આ ત્રણેય શખસો દ્વારા ચોરીમાં મળેલા સોના, ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા બાબતે પૂછપરછ કરતા તેઓએ ચોરીમાં મળેલા સોના-ચાંદીના દાગીના સરખા ભાગે વેચી લીધા અને તેઓએ પોત પોતાના ઓળખીતાને સોના-ચાંદીના દાગીના વેચતા સોનીઓ જેમાં સાવલી ખાતે સલીમભાઈ સોની, વડોદરાના ફતેપુરાના અમીત પરીહાર સોની અને વડોદરા ખાતે સરદાર એસ્ટેટ પાછળ દુકાન ધરાવતા નિલેશભાઈ સોનીને વેચ્યા હોવાની માહિતી આપી હતી. આ સાથે આ શખસો પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બાઇક, રોકડ સહિત સાધનો મળી કુલ રૂપિયા 69,750નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગુનામાં પકડવાના બાકી આરોપીઓમાં સતનામસિંગ છોટુસિંગ બાવરી (રહે.ગોધરા બસ સ્ટેન્ડની સામે, ગુરુદ્વારાની બાજુમાં, શહેરા રોડ, ગોધરા), કિરણસિંગ ઇન્દ્રસિંગ બાવરી (રહે. ઇન્દિરાનગરી ઝુપડપટ્ટી, સરકારી દવાખાના પાછળ, કોયલી, વડોદરા શહેર) છે. જ્યારે ઝડપાયેલા આરોપીઓમાં કિરપાલસિંગ ઉર્ફે પાલેસિંગ તારાસિંગ તીલપીઠીયા (સીકલીગર) આ અગાઉ વડોદરા શહેરના સયાજીગંજ, જવાહરનગર, ફતેગંજ તથા નર્મદા જિલ્લામાં તથા આણંદ રૂરલ પો.સ્ટે.માં મળી કુલ-8 ગુનાઓમાં પકડાયેલા છે. રાજાસિંગ ઉર્ફે રાજા માધુસિંગ ટાંક સરદાર (સીકલીગર) આ અગાઉ વડોદરા શહેરના સિટી પો.સ્ટે., વારસીયા, હરણી, સમા, સયાજીગંજ, કારેલીબાગ તથા વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરણામા પો.સ્ટે. તથા પંચમહાલ જિલ્લાના હાલલોલ ટાઉન પો.સ્ટે. ખાતે મળી કુલ-9 ગુનાઓમાં પકડાયેલા છે. તેમજ પાસા અટકાયતી તરીકે પાસા હેઠળ પણ જેલ ભોગવી આવેલા છે. ભીલસિંગ ઉર્ફે સંતોકસિંગ રતનસિંગ ટાંક (સરદાર) આ અગાઉ વડોદરા શહેરના મકરપુરા, ગોરવા પો.સ્ટે. તથા વડોદરા ગ્રામ્ય જિલ્લાના સાવલી, કરજણ તથા જામનગર સીટી બી ડીવીઝન પો.સ્ટે.મા મળી કુલ-6 ગુનાઓમાં પકડાયેલા છે.