- ફરિયાદી કૃણાલકુમાર પટેલને 15 દિવસ પહેલાં દરજીપુરા પાસે તડીપાર રાજેશ ઉર્ફે જગ્ગુએ ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપી મિત્રો સાથે ફરાર થઇ ગયો હતો
વડોદરા શહેરના એપીએમસી માર્કેટ પાસે પૂર્વ પત્નીના પ્રેમી અને તડીપાર આરોપી સહિતની ત્રિપુટીએ ફરિયાદીની કારને રોકી પોલીસ ફરિયાદ પાછી ખેંચ નહીં ખેંચે તો તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે બાપોદ પોલીસે ત્રિપુટી વિરૂધ્ધ ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, કૃણાલકુમાર પટેલ પાણીગેટ વિસ્તારમાં તેમના ત્રણ વર્ષના પુત્ર સાથે રહે છે અને આર.ઓ. મશીન વેચીને ગુજરાન ચલાવે છે. તેઓના પત્નીને રાજેશ ઉર્ફ જગ્ગુ અંબેસિંગ ચાવડા સાથે પ્રેમ સબંધ હતો. આથી કૃણાલકુમાર અને તેની પત્નીએ એક-બીજાની મરજીથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ યુવતી તેના પ્રેમી રાજેશ ઉર્ફ જગ્ગુ સાથે ફરતા હતા. ચાર માસ પહેલાં વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે કૃણાલકુમાર પટેલને પૂર્વ પત્નીના પ્રેમી રાજેશ ઉર્ફ જગ્ગુ તેના સાળા નિકુંજ સોલંકી તેમજ તેના મિત્ર કૌશિક કહારે ઝઘડો કરી ઢોર માર માર્યો હતો અને હાથમાં ફ્રેક્ચર કરી દીધું હતું. જે અંગે કૃણાલકુમારે ત્રણેય વિરૂધ્ધ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં કોર્ટે ત્રણેયને વડોદરા શહેરમાંથી તડીપાર કર્યા હતા.
આ દરમિયાન પંદર દિવસ પહેલાં કૃણાલકુમાર પટેલ તેમના પુત્ર સાથે કારમાં દરજીપુરા પાસે હોટલમાં જમવા માટે જતા હતા. તે સમયે ચોકડી ઉપર ચ્હાની કીટલી પાસે રાજેશ ઉર્ફ જગ્ગુ ચાવડા, તેના મિત્ર વિજય પરમાર (રહે. શ્યામલ રેસિડેન્સી, વાઘોડિયા રોડ) અને ઉમેશ ભરવાની (સિંધી) રહે. વારસીયા) સાથે ઉભો હતો. આથી કૃણાલકુમારે પોતાની કાર ઉભી કરી તડીપાર રાજેશ ઉર્ફ જગ્ગુનો ફોટો પાડતા ઝઘડો થયો હતો. તે સમયે રાજેશ ઉર્ફ જગ્ગુએ જણાવ્યું કે, તે અમારા ઉપર કરેલ કેસ પરત નહિં લેતો તને અને તારા પુત્રને જાનથી મારી નાંખીશુ, તેવી ધમકી આપી ફરાર થઇ ગયા હતા.
આ બનાવ અંગે કૃણાલકુમાર પટેલે બાપોદ પોલીસ મથકમાં રાજેશ ઉર્ફ જગ્ગુ પટેલ અને તેના બે મિત્રો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.