આવતીકાલથી ધાર્મિક પ્રસંગો અને અન્ય રજાઓના કારણે ત્રણ દિવસ સરકારી વિભાગોમાં મીની વેકેશન રહેશે. જેથી તેની સીધી અસર સરકારી વિભાગોમાં થતી કામગીરીને થતી જોવા મળશે.
આવતીકાલે તા.7ને શુક્રવારના રોજ ગુડ ફ્રાઇડે, ત્યાર પછી શનિવાર તા.8ના રોજ બીજો શનિવાર અને તે પછી તારીખ 9ના રોજ રવિવારના કારણે સળંગ ત્રણ દિવસ સરકારી કચેરીઓમાં રજા રહેશે.
સરકારી કચેરીમાં રજા હોવાથી કેટલાક સરકારી કર્મચારીઓએ મીની વેકેશન મનાવવાનું આયોજન પણ હાથ ધરી દીધું છે. કેટલાક બહાર ગામ જવાની તૈયારીમાં છે. તો બીજી તરફ હાલ શાળાઓમાં વાર્ષિક પરીક્ષા શરૂ થઈ ગઈ હોવાથી કેટલાકે આવા આયોજન પડતા મૂક્યા છે. ત્રણ દિવસ સરકારી વિભાગોમાં રજા આવવાના કારણે સરકારલક્ષી થતી અલગ અલગ કામગીરીમાં વિક્ષેપ ઊભો થશે અને અરજદારો તથા નાગરિકોએ હાલાકી વેઠવી પડશે.