- 17 એપ્રિલથી અત્યાર સુધીમાં 5700 પેન્શનરોએ હયાતીની ખાતરી કરાવી લીધી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગેસ ખાતા સહિત 2023ના વર્ષ માટે પેન્શનરો અને ફેમીલી પેન્શનરોને પોતાની હયાતીની ખાત્રી કરાવી લેવા અગાઉ સૂચના આપવામાં આવી હતી. 8200 પેન્શનરોમાંથી અત્યાર સુધીમાં 5700 પેન્શનરોએ હયાતીની ખાતરી કરાવી લીધી છે. હવે બાકી રહેલા 2500 પેન્શનરોને તારીખ 16 મે સુધીમાં હયાતીની ખાતરી કરાવી લેવા સૂચના આપવામાં આવી છે.
કોર્પોરેશનના હિસાબી શાખાના પેન્શન વિભાગમાં ગઈ તારીખ 17 એપ્રિલથી હયાતીની ખાતરી માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે. હયાતીની ખાતરી કરાવવા આવતા પેન્શનરોએ પુનઃ લગ્ન પણ નથી કર્યા તે અંગે કોર્પોરેટર અથવા સરકારી ગેઝેટેડ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવા, ફેમીલી પેન્શન મેળવતા વારસદાર પુત્ર-પુત્રી- માતા-પિતા તેમજ વિકલાંગોએ માસિક આવકનું સર્ટિફિકેટ રજુ કરવાની પણ સૂચના આપવામાં આવી જ છે. પેન્શનરોએ પોતાના પેન્શન નંબર અને ઠરાવ સાથે પેન્શન વિભાગમાં સંપર્ક કરવાનો રહે છે. ચાલુ વર્ષે હયાતી અંગેની ખાતરી બાયોમેટ્રીક પદ્ધતિથી પણ કરવામાં આવતી હોવાથી તેઓને પોતાના ઓળખના પુરાવા તરીકે તેમની બેંક પાસબુક, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ પાન કાર્ડ પણ સાથે લાવવા કહ્યું છે. જે લોકોનું હજુ બાયોમેટ્રીક કરાવવાનું બાકી છે તેવા તમામને આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખનો પુરાવો (જન્મનો દાખલો, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, પાસપોર્ટ, સીવીલ સર્જનનું સર્ટીફિકેટ) અચુક રજુ કરવા સૂચના આપવામાં આવી છે.
આવકવેરો ભરતા પેન્શનરો પાસેથી પાનકાર્ડની નકલ તથા જે રોકાણો કર્યા હોય તેની પુરાવા સાથેની વિગતો પણ લેવામાં આવે છે. હયાતીની ખાત્રી ન કરાવે તો પેન્શન મળતું નથી. કોર્પોરેશનના કહેવા મુજબ દર વર્ષે કરવામાં આવતી આ એક ફરજિયાત પ્રક્રિયા છે.