વડોદરા શહેરના આજવા રોડ પર કંપનીના માલિક અને તેમનો પરિવાર મરણ પ્રસંગમાં ગયો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી 25 તોલા ઉપરાંતના સોનાના દાગીના તેમજ રૂપિયા 5 લાખ રોકડ મળી કુલ રૂપિયા 14.33 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા.
બાપોદ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરના આજવા રોડ બહાર કોલોનીમાં એ-77, ભાગ્યલક્ષ્મી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આસીફભાઇ ફિરોજભાઇ ખત્રી પરિવાર સાથે રહે છે અને સરદાર એસ્ટેટમાં પ્લાસ્ટિકની કંપની ચલાવે છે. તેઓ તા.7 માર્ચના રોજ મકાનને તાળું મારી પરિવાર સાથે છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે નાનીના મરણ પ્રસંગમાં ગયા હતા.
ખત્રી પરિવાર તા.8 માર્ચના રોજ બપોરના સમયે વડોદરા પરત ફર્યું હતું. મકાનનો દરવાજો ખોલવા જતા મુખ્ય લોખંડની જાળી ઉપર લગાવેલ તાળું તૂટેલું જોતા ચોંકી ઉઠ્યા હતા. ઘરમાં જઇ વધુ તપાસ કરતા તિજોરી ખુલ્લી જણાઇ હતી અને તિજોરીનો સામાન વેર-વિખેર પડેલો હતો. તિજોરીમાં તપાસ કરતા કોઇ શખ્સો તિજોરીમાં મુકેલા સોનાની 2 તોલા વજનની 5 વીંટી, 15 તોલા વજનની સોનાના બુટ્ટી સાથેના 3 હાર, સોનાનું એક કડું, 6 તોલા વજનની 4 નંગ બંગડી, 5 ગ્રામ વજનની સોનાની ડાયમંડ જડેલી એક બુટ્ટીની જોડ, 5 ગ્રામ સોનાની બુટ્ટીની એક જોડ, 10 ગ્રામ વજનની સોનાની બુટ્ટીની 2 જોડ, 1 ગ્રામ સોનાનો સિક્કો તેમજ 5 લાખ રોકડ ચોરી ગયા હતા.
બંધ મકાનના તાળા તોડી કોઈ અજાણ્યા શખ્સો રૂપિયા 14,33,000નો મુદ્દામાલ ચોરી જતાં આસિફભાઇ ખત્રીએ તુરંત જ બાપોદ પોલીસને જાણ કરી હતી. તુરંત જ બાપોદ પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મકાનમાં થયેલી ચોરી અંગે પ્રાથમિક વિગતો મેળવી હતી. દરમિયાન આસિફભાઇ ખત્રીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ બનાવે સોસાયટી વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.