વડોદરામાં રાત્રિ સમયે મંદિર-મકાનોમાં ચોરી કરનાર 2 ચોર ઝડપાયા, 8 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

આજવા રોડ પર પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાંચ પોલીસે બંને શખસને ઝડપી પાડ્યા

MailVadodara.com - 2-thieves-who-stole-from-temple-houses-at-night-in-Vadodara-caught-worth-8-lakh-seized

- પોલીસે તપાસ કરતા બાઇકમાંથી ઘરફોડ ચોરીના ગુનાઓ કરવા ઉપયોગમાં લેવાતુ વાંદરીપાનું અને રોકડા 15 હજાર રૂપિયા મળી આવ્યા હતા

- બાઈક પણ ઘરફોડ ચોરી કરીને મેળવેલા રૂપિયાથી ખરીદી કર્યાનું બહાર આવ્યું

વડોદરા શહેરમાં મંદિરો-મકાનોમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરીના ગુનાઓ કરનાર 2 આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે. આરોપી પાસેથી 8.55 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને 4 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. બંને આરોપીએ મંદિરમાં ચોરી કરવા જતા પહેલા પોતાના જ સગાના બાઇકની ચોરી કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે આજવા રોડ સયાજીપાર્ક - એકતાનગર જવાના ચાર રસ્તા પાસે બાઇક સાથે બે શખસ જોવા મળ્યા હતા. પોલીસને જોઈને બંને શખસે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્રાઇમ બ્રાંચની ટીમે અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળીબોટી કમલેશભાઇ રાજપૂત (રહે. પુનમનગર, આજવા રોડ, વડોદરા) અને આમીર ઉર્ફે અજ્જુ ઇકબાલભાઇ વ્હોરા (રહે. ખોડિયારનગર, વ્હાઇટ વુડામાં, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તપાસ કરતા બાઇકમાંથી ઘરફોડ ચોરીના ગુનાઓ કરવા ઉપયોગમાં લેવાતુ વાંદરીપાનું અને રોકડા 15 હજાર રૂપિયા મળી આવ્યા હતા. આ બન્ને શખસ પાસે મળી આવેલા સોના-ચાંદીના દાગીનાનું બિલ કે આધાર-પુરાવા તેમની પાસે નહોતા. જેથી પોલીસે બંનેની સઘન પૂછપરછ શરૂ કરી હતી. આરોપી અજય રાજપૂત છેલ્લા 5 મહિના દરમિયાન આજવા રોડ પર આવેલી સૌજન્ય સોસાયટી, ચામુંડાપાર્ક સોસાયટી, રામનગર ખાતેના મકાનોને અને કિશનવાડી ખાતે આવેલા મંદિરને ટાર્ગેટ કરીને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

મુખ્ય આરોપી અજય રાજપૂતે તેના સાગરીત આમીર ઉર્ફે અજ્જુ સાથે મળીને ચામુંડાપાર્ક સોસાયટીના મકાનમાં ઘરફોડ ચોરી હતી અને તેમની પાસેથી મળી આવેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ઘરફોડ ચોરી કરીને મેળવેલો મુદ્દામાલ જણાય આવ્યો હતો. તેમજ તેઓ પાસેથી મળી આવેલી બજાજ પલ્સર બાઈક પણ ઘરફોડ ચોરીના ગુનાઓ કરીને મેળવેલા રૂપિયાથી ખરીદી કરી હોવાનું બહાર આવ્યું છે.

વિવિધ જગ્યાઓએ ચોરી કરીને ભેગા કરેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ 8,55,392નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. બંને આરોપીઓની પૂછપરછમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર અનડીટેકટ રાત્રી ઘરફોડ ચોરીના ગુનાઓના ભેદ ખુલ્યો છે. જેથી આરોપીઓને બાપોદ પોલીસને સોંપવામાં આવ્યા છે.

Share :

Leave a Comments