રાજમહેલ રોડ પર ટ્રાવેલ્સ સંચાલક ઓફિસે તાળું મારી જમવા ગયાને 30 મિનિટમાં 2 લાખની ચોરી

સયાજી વિહાર ક્લબની સામે આવેલી ટ્રાવેલર્સની દુકાનમાં ધોળે દિવસે ચોરી

MailVadodara.com - 2-lakh-stolen-in-30-minutes-after-going-to-eat-after-locking-the-office-of-the-travel-manager-on-Rajmahal-Road

- ટ્રાવેલર્સની ઓફિસમાં છેલ્લા 15 દિવસની ટૂરના બુકિંગની રોકડ મુકેલી હતી

શહેરમાં 24 કલાક ધમધમતા રાજમહેલ રોડ પર ધોળે દિવસે ચોરી થતાં વિસ્તારમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. સયાજી વિહાર ક્લબની સામે આવેલી ટ્રાવેલર્સની દુકાનના માલિક રવિવારે બપોરે ઓફિસના કાચના દરવાજાને તાળું મારીને નજીકમાં જમવા ગયા હતા. દરમિયાન માત્ર 30 મિનિટમાં જ તસ્કરે 1.94 લાખની રોકડ ભરેલી બેગ ચોરી કરી હતો. આ વિશે માલિકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કરજણ ખાતે આવેલા નવા બજાર વિસ્તારમાં રહેતા મયુર બ્રહ્મભટ્ટ 23 વર્ષથી ખાડિયાપોળ નં.2ના નાકે ટ્રાવેલ્સની ઓફિસ ચલાવે છે. દરરોજ 11 વાગે ઓફિસ આવીને રાત્રીના 8 વાગે તેઓ ઘરે પરત જાય છે. રવિવારે રાબેતા મુજબ તેઓ 11 વાગ્યાના અરસામાં ઓફિસ આવ્યા હતા.

જે બાદ બપોરે 3.30 વાગ્યાના અરસામાં ઓફિસના કાચના દરવાજાને લોક મારીને 10 દુકાન દૂર આવેલી રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. જ્યારે માત્ર 30 મિનિટ બાદ તેઓ ઓફિસે પરત આવ્યા ત્યારે કાચના દરવાજાનું લોક તૂટેલું હતું અને ટેબલ નીચે મૂકેલી રોકડ ભરેલી બેગ પણ ગાયબ હતી. બેગમાં છેલ્લા 15 દિવસના બુકિંગના રૂા.1.94 લાખ હતા. આજુબાજુવાળા દુકાનદારોને પૂછતાં પણ તેમણે કોઈ ભાળ મળી નહોતી. જેને પગલે આ બાબતે મયુર બ્રહ્મભટ્ટે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજમહેલ રોડ દિવસભર ધમધમતો રહે છે. જ્યારે ટ્રાવેલર્સની ઓફીસની લાઇનમાં અન્ય ઓફીસો પણ છે. આ ઉપરાંત ટ્રાવેલર્સની ઓફીસ જ્યાં છે તેની બીલકુલ સામે જ માર્કેટ વિસ્તારની પોલીસ ચોકી આવેલી છે. જેની સામે જ ધોળા દિવસે 2 લાખ રૂપિયાની રોકડની ચોરી થઇ છે ત્યારે પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલ ઊભા થાય છે.

Share :

Leave a Comments