- તા.૪ના રોજ પાણી મોડેથી, લો-પ્રેશરથી અને ઓછા સમય માટે અપાશે
વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં તા.૩ના રોજ આશરે ૨.૧૦ લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. પાણીની ફીડર લાઇનની જોડાણની કામગીરીને લીધે આ સ્થિતિ ઊભી થશે, જેથી ઉનાળાની ગરમીમાં પાણીની તકલીફ થશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારમાં સુશેન સર્કલ પાસે જાંબુવા તરફ જતી પાણીની નવી ૨૮ ઇંચ ડાયામીટરની ફીડરલાઇન, તેમજ 46 ઇંચ ડાયામીટરની લાઇન સાથે જોડાણની કામગીરી કરવાની છે. આ ઉપરાંત સિંધરોટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે હયાત હાઇટેન્શન પેનલને અપગ્રેડ કરવાની કામગીરી તા.૩ના રોજ સવારે પાણી વિતરણના સમય બાદ કરાશે. જેથી સિંધરોટથી પાણી મેળવતી મકરપુરા, જીઆઇડીસી રોડ ટાંકી, માંજલપુર, તરસાલી, જાંબુવા ટાંકી તેમજ મકરપુરા ગામ બુસ્ટર, મકરપુરા એરફોર્સ બુસ્ટરથી પાણી મેળવતા વિસ્તારોમાં તા.૩ના રોજ પાણી વિતરણ કરી શકાશે નહીં. આની અસર તા.૪ના રોજ પણ રહેશે. તા.૪ના રોજ પાણી મોડેથી, લો-પ્રેશરથી અને ઓછા સમય માટે અપાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તા.૩ના રોજ ફાજલપુર ફ્રેન્ચ વેલ ખાતે ફીડર લાઇન પર એસેસરીઝ બદલવાની કામગીરીને લીધે પણ ઉત્તર ઝોન વિસ્તારમાં પાણી લો-પ્રેશરથી અપાશે.