- વેપારીઓએ 12 વર્ષથી બાકી ભાડાનું ચુકવણું કર્યું, હજી 2.75 કરોડ વ્યાજના બાકી
વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં શહેરને જૂની ઓળખ આપવાના ભાગરૂપે અહીં પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાની વિચારણા કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાની પ્રક્રિયામાં અહીંના વેપારીઓ પાસેથી પાલિકાએ બાકી ભાડાની આકરી વસુલાત કરતા રૂપિયા બે કરોડ ઉપરાંતનું બાકી ભાડું કોર્પોરેશનને મળ્યું છે.
હેરિટેજ ઈમારત ન્યાયમંદિર સામે આવેલા પદ્માવતી શોપિંગ સેન્ટરને હટાવવાની વાતો વચ્ચે વેપારીઓએ 12 વર્ષથી બાકી ભાડાનું ચુકવણું કર્યું છે. પદ્માવતી શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા 188 વેપારીએ 2.03 કરોડ બાકી ભાડા ભર્યા છે, જોકે હજી 2.75 કરોડ વ્યાજના બાકી છે તેની પણ ટૂંક સમયમાં વસૂલાત કરાશે.
વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં હેરિટેજ વોકનું પ્લાનિંગ ચાલી રહ્યું છે અને આ માટે ચાર દરવાજા વિસ્તારની જૂની ઓળખ મળે તે માટે મધ્યમાં આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડવાની પ્રક્રિયા હાલ વિચારણા હેઠળ છે. વર્ષ 2023-24ના બજેટ માટે હેરિટેજ વોક અંતર્ગત અહીં રૂપિયાની પણ ફાળવણી કરવામાં આવી છે.
એક તરફ વડોદરા પાલિકા દ્વારા બાકી વેરા બિલની કડક વસૂલાત શરૂ કરાઈ છે, તો બીજી તરફ પદ્માવતી શોપિંગ સેન્ટર તોડતા અગાઉ અહીંના ઘણા વેપારીઓના ભાડા બાકી હતા. મુખ્ય દંડક અને ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લે પદ્માવતી શોપિંગ સેન્ટરને હટાવી વેપારીઓને અન્યત્ર જગ્યા ફાળવવા સૂચન કર્યું હતું. જે મામલે પદ્માવતીના વેપારીઓ સાથે મેયર-ધારાસભ્ય કેયુર રોકડીયાએ બેઠક કરી હતી અને બાકી ભાડા વસુલાત માટે આગ્રહ રાખ્યો હતો. જે બાદ પદ્માવતી શોપિંગ સેન્ટરના 188 વેપારીઓએ 12 વર્ષથી બાકી રૂપિયા 2,03,96,925ની ચુકવણી વોર્ડ નં.14ની ઓફિસમાં કરી છે. જે મામલે પદ્માવતી શોપિંગ સેન્ટર એસોસિએશને મેયરને પત્ર લખી તા.31 માર્ચ 2023 સુધીના ભાડા ચૂકતે કર્યા હોવાની લેખિત જાણકારી આપી છે. જાેકે વ્યાજના રૂપિયા 2.75 કરોડ બાકી હોવાથી વસૂલાત ક્યારે કરાશે તે પ્રશ્નાર્થ છે. પદ્માવતી શોપિંગના વેપારીઓ પાસેથી કોર્પોરેશનની કડક વસૂલાતના પગલે મસમોટી રકમની આવક પ્રાપ્ત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, વેપારીઓએ કોરોનાકાળમાં વ્યાજ માફી આપવા રજૂઆત કરી હતી. જેના કારણે આગામી સમયમાં દરખાસ્ત લવાશે. જેમાં 6 માસ સુધી ભાડા-વ્યાજ માફી અપાશે. ધારાસભ્ય બાળુ શુક્લાએ પદ્માવતી સેન્ટર હટાવવાની વાત મૂકતા વેપારીઓમાં હડકંપ સર્જાયો હતો. જાેકે પદ્માવતી સેન્ટરને ન તોડવા અનેક સ્થળે રજૂઆત થઈ હતી, પરંતુ વૈકલ્પિક જગ્યા મળશે તેવી ખાતરી તંત્રે આપી હતી. જોકે હાલ અન્યત્ર જગા મળશે તેવું માની વેપારીઓએ ભાડા ચૂકવ્યાં છે.