મુંબઈના બિલ્ડરને સસ્તા ભાવે સોનાના બિસ્કીટ વેચવાનું જણાવી ભેજાબાજોએ 14 લાખ ખંખેર્યા

બિલ્ડર શૈલેષભાઇ રાવલે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - 14-Lakhs-were-extorted-from-Mumbai-builders-by-telling-them-to-sell-gold-biscuits-at-cheap-prices

- બિલ્ડરને રણોલી બ્રિજ પાસે તાપી હોટલમાં બોલાવી બે ભેજાબાજાેએ 5 ખોટા સોનાના બિસ્કીટ પકડાવી દઇ 14 લાખ લઇ રફૂચક્કર થઇ ગયા

મુંબઈના બિલ્ડરને 10 થી 15 ટકા ઓછા ભાવે સસ્તામાં સોનાના બિસ્કીટ વેચવાનું જણાવી બે ભેજાબાજોએ પાંચ ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ પધરાવી રૂપિયા 14 લાખની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બનાવ સંદર્ભે મુંબઇના બિલ્ડરે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે છાણી પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.   

મળતી માહિતી પ્રમાણે, મુંબઇના બોરીવલ્લી ખાતે પરિવાર સાથે રહેતા શૈલેષભાઇ પ્રેમશંકર રાવલ બિલ્ડરના વ્યવસાય સાથે સંકડાયેલા છે. તેઓએ છાણી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા વ્યવસાયમાં જ્યારે મારી પાસે રૂપિયા જમા થાય ત્યારે હું તેને સોનામાં રોકાણ કરૂં છું. આજથી આશરે પાંચેક માસ પહેલાં સુરતના કેયુરભાઈ પટેલ જે મુંબઈ ખાતે હિરા વેચાણ માટે આવતા હોય મારી તેમની સાથે ઓળખાણ થઇ હતી. અને તેઓએ મને જણાવેલ કે, મારા ઓળખાણમાં વિશાલભાઇ પટેલ છે. જેઓ બજારભાવ કરતા 10 થી 15 ટકા ઓછા ભાવે સોનાના બિસ્કીટનું વેચાણ કરે છે. અને મને વિશાલ પટેલનો મોબાઇલ નંબર આપ્યો હતો.

આ દરમિયાન બિલ્ડરે સુરતના હીરાના વેપારીએ આપેલ નંબર ઉપરથી વિશાલ પટેલને ફોન કર્યો હતો. વિશાલે બિલ્ડરને જણાવ્યું હતું કે, જ્યારે સોનાના બિસ્કિટ આવશે ત્યારે હું તમારો સંપર્ક કરીશ. તા. 23 ઓગષ્ટના રોજ વિશાલનો ફોન આવ્યો હતો અને સોનાના બિસ્કીટ આવી ગયા છે. તમે વડોદરા આવી જજો. જેથી બિલ્ડર શૈલેષભાઇ રાવલ તેમજ તેમનો ભાણેજ નિશાંત ભટ્ટ તેમજ મિત્ર પંકજ ચૌહાણ તા. 23 ઓગસ્ટના રાત્રીના સમયે આણંદ ખાતે આવી ગયા હતા. અને આણંદમાં રહેતી સાળીના ઘરે રોકાયા હતા.

બીજા દિવસે વિશાલ પટેલે બિલ્ડરને ફોન કરી જણાવેલ કે, તમો હાઈવે પર આવેલ રણોલી બ્રિજ પાસે તાપી હોટલ ખાતે આવી જાવ. જેથી અમેં બધા તાપી હોટલ ખાતે બપોરના આશરે બે વાગ્યે પહોંચી ગયા હતા. તાપી હોટલમાં અગાઉથી જ વિશાલ પટેલ તથા તેમની સાથે બીજો એક વ્યક્તિ હાજર હતો. અને વિશાલ પટેલે બિલ્ડરને એક સોનાનું બિસ્કિટ બતાવ્યું હતુ. જે મેં તપાસ કરતા તે સાચું સોનુ હતું.

વિશાલ પટેલ પાસે અન્ય પાંચ સોનાના બિસ્કિટ હતા. એક બિસ્કિટની કિંમત રૂપિયા 5 લાખ પેટે પાંચેય બિસ્કિટની કિંમત રૂપિયા 25 લાખ થતી હતી. પરંતુ બિલ્ડર પાસે માત્ર રૂપિયા 14 લાખ જ રોકડા હોવાથી વિશાલે 14 લાખ અત્યારે આપી બાકી 11 લાખ પછી આપવાનું જણાવી વિશાલ પટેલ 14 લાખ લઇ ઉતાવળથી તેની પાસેના કુલ 5 નંગ પિળા કલરની ઘાતુવાળા બિસ્કિટ મને આપી હોટલની બહાર નિકળી ગયો હતો. ત્યાર બાદ મારા મિત્ર પંકજ ભાઈએ સોનાના બિસ્કિટની ચકાસણી કરતા તે ખોટા હોવાનું જણાઈ આવ્યું હતુ.

ભેજાબાજોનો શિકાર બનેલ 63 વર્ષિય બિલ્ડર શૈલેષ પ્રેમશંકર રાવલે છાણી પોલીસ મથકે ખાતે વિશાલ પટેલ નામ ધારણ કરીને આવેલ હનીફ ઓસમાન સમા (રહે. જુની દુધાઈ, મફતપરૂ, તા અંજાર, જિ -કચ્છ ), તેમજ વસીમખાન ફરીદખાન પઠાણ (રહે.ઈનામપાર્ક સોસાયટી, સલાટીયા રોડ, આણંદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા છાણી પોલીસે બંને ભેજાબાજો સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments