- પોલીસે વિદેશી દારૂની 1404 બોટલ, મોબાઈલ, પ્લાસ્ટિકની 520 નંગ ડોલ મળી કુલ 5.82 લાખનો મુદામાલ જપ્ત કર્યો, એક ઇસમ વોન્ટેડ જાહેર
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં થર્ટીફસ્ટને લઇ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે શહેર પોલીસની વિવિધ એજન્સીઓ સતર્ક બની છે. વડોદરા શહેર પીસીબીએ બાતમીના આઘારે શહેરના જે. પી. પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ભાડાના મકાનમાં દરોડો પાડયો હતો. મકાનમાંથી અસંખ્ય ડોલો મળી હતી જેમાં લાખો રૂપિયાનો ઈંગ્લીશ દારૂ ભરેલો હતો, જે જાેઇ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતાં. પોલીસે ઝડપાયેલા ઇસમની ધરપકડ કરી છે, જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે આગામી 31stને લઇ લીસ્ટેડ બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરી ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે તેવી શક્યતા હોવથી તેઓની પ્રવૃત્તિ ઉપર સતત પોલીસની એજન્સીઓ નજર રાખી રહી છે. ત્યારે વડોદરા શહેર પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે, શહેરના જે. પી. પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ન્યુ સમર્પણ બંગલોઝમાં ભાડાના મકાનમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે પીસીબી સ્ટાફના માણસોએ ખાનગી વાહન લઈ જઈ બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી.
બાતમીના આધારે પીસીબીની ટીમ દ્વારા તાંદલજા વિસ્તારમાં મકરંદ દેસાઈ રોડ પર આવેલા ન્યુ સમર્પણ બંગ્લોઝના મકાન નંબર 3માં રેડ કરી હતી. પીસીબી દ્વારા મકાનમાં તપાસ કરતા મકાનના ઉપરના ભાગે આવેલા બેડરૂમમાં પ્લાસ્ટિકની ડોલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ મોટી માત્રામાં મળી આવ્યો હતો. આ સ્થળેથી રિતેશ ઉર્ફે વિક્કો દાતરો રાજેશભાઈ શુક્લા (રહે. 11, ગણેશનગર, નવજીવન આજવા રોડ, વડોદરા, હાલ રહે 3 ન્યુ સમર્પણ બંગલોઝ, મકરંદ દેસાઈ રોડ, તાંદલજા)ને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પૂછપરછ દરમિયાન આ દારૂ આપનાર ઈસમ શંકર મોરેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પીસીબી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1404 બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 5,61,600 સાથે મોબાઈલ, પ્લાસ્ટિકની 520 નંગ ડોલ મળી કુલ રૂપિયા 5,82,600નો મુદામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી છે. જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે PCBના PI એસ. ડી. રાતડાએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટેશનમાં લાવતો હોવાથી તેઓનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે કોઈપણ વ્યક્તિને આ બાબતે શંકા ન જાય લ. આ પ્લાસ્ટિકની ડોલોના ઉપયોગથી મોટી માત્રામાં દારૂનો જથ્થાનો સ્ટોક કરી વેચાણ કરવામાં આવતું હતું. જેનો પીસીબીએ પર્દાફાશ કર્યો છે.