વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચશ્માની દુકાનમાંથી રૂ. 1.19 લાખની કિંમતના ચશ્મા અને ફ્રેમ તથા રોકડા રૂપિયા 16 હજાર સહિત કુલ રૂ. 1.39 લાખ ઉપરાંતની ચોરીની ઘટનામાં દુકાનના જ સેલ્સમેનની સંડોવણી બહાર આવતા ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે આરોપી વિરુદ્ધ નોકર ચોરી સહીતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકા ખાતે આવેલ જલારામ નગરમાં રહેતા માહીન મેમણ કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક ચારરસ્તા પાસે લેન્સકાર્ટ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ચશ્માની દુકાન ધરાવે છે. 6 જુલાઈના રોજ દુકાનના કર્મચારીઓએ રાબેતા મુજબ રાત્રે દુકાન બંધ કરી હતી. બીજા દિવસે સવારે કર્મચારીઓ નોકરી ઉપર આવતા દુકાનના સટરના બંને તાળા તૂટેલ હોવાનું બહાર આવ્યું હતું. દુકાનમાં તપાસ કરતા રૂપિયા 1.14 લાખની કિંમતના ફોસિલ કંપનીની ફ્રેમ ચશ્મા નંગ 27, રૂ. 9 હજારની કિંમતના જોન જેકોબસ કંપનીના સનગ્લાસ ચશ્મા નંગ 3 તથા કેસ કાઉન્ટરમાંથી રોકડા રૂ. 16,420ની ચોરી થવા પામી હતી. જેથી દુકાનના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા દુકાનમાં જ સેલ્સમેન તરીકે નોકરી કરતો મોહમ્મદઆસિફ મોહમ્મદઈલીયાસ ખોટા (રહે-સૈયદપુરા, નાગરવાડા) હોવાનું બહાર આવ્યું હતું.