- પરિવાર નડિયાદ ગયો હતો, પાડોશીએ ફોન કરી ઘરમાં ચોરી થયાની જાણ કરી
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા પદ્માવતી કોમ્પ્લેક્ષમાં બે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને 1.37 લાખની મત્તાની ચોરી થઈ છે. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
વડોદરાના સનસીટી સર્કલ પાસે ડી-201, પદ્માવતી કોમ્પ્લેક્ષમાં રહેતા નિસર્ગ પંકજભાઇ મિસ્ત્રી (ઉ.વ.27)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું આઇટી કંપનીમાં નોકરી કરું છું. 1 એપ્રિલના રોજ 6 વાગ્યે વાગ્યે હું મારા પિતા પંકજભાઇ, માતા અનિતાબેન સાથે નડિયાદ ખાતે અમારા સંબંધીના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા. બીજા દિવસે 2 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે અમારા ઘરની સામે રહેતા અનિલભાઇ પંડ્યાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા ઘરનું તાળુ તૂટેલું છે અને ઘરમાં ચોરી થઈ છે. ઘરમાં ચોરી થયાની જાણ થતાં હું નડિયાદથી વડોદરા આવી ગયો હતો અને ઘરમાં જઇને જોયું તો લોખંડની તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના નહોતા. જેમાં આશરે 15 ગ્રામ વજનની સોનાની ચેન-2, 10 ગ્રામ વજનની સોનાની વીંટી-3, આશરે 2 ગ્રામ વજનની સોનાની કાનની બુટ્ટીની એક જોડ, આશરે 4 ગ્રામ વજનની સોનાની બંગડી નંગ-4, ચાંદીની બંગડી, ગ્લાસ, સિક્કો, ઝુડો, લક્કી, પાયલ સહિત 15 હજાર રોકડા મળીને કુલ 1.7 લાખની મત્તાની ચોરી થઇ હોવાનું જણાઇ આવ્યું હતું.
આ ઉપરાંત અમારા કોમ્પ્લેક્ષમાં નીચે રહેતા કેવલ્યકુમાર અનિલકુમાર દવે (રહે. એ-103, પદ્માવતી કોમ્પ્લેક્ષ, સનસીટી સર્કલ પાસે, વડોદરા)ના ઘરનું પણ તાળું પણ તૂટેલુ હતું અને તેમના ઘરની તિજોરીમાં રાખેલા આશરે 200 ગ્રામ વજનના ચાંદીના ઝાંઝર નંગ-3, 100 ગ્રામ વજનનો ચાંદીનો હાર નંગ-1, આશરે 200 ગ્રામ વજનના ચાંદીના ગ્લાસ, ચીપીયા, સિક્કા મળી કુલ 30 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી થઇ હતી.