- વીડિયોમાં ઢોર પાર્ટીનો ડ્રાયવર જીપમાંથી ડીઝલ કાઢતો દેખાય છે..!
- વ્હીકલ વિભાગના વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરી થતી હોવાની ફરિયાદો છાશવારે ઉઠે છે..!
વડોદરા મહાનગર પાલિકાના વ્હીકલ ડિપાર્ટમેન્ટના વાહનોમાંથી ડીઝલની ચોરી થતી હોવાની ફરિયાદો છાશવારે ઉઠે છે. એવામાં ઢોર પાર્ટીના વાહનમાંથી ડીઝલ કાઢવાનો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
ભ્રષ્ટાચારથી ખડબદતા પાલિકાના વહીવટી તંત્રમાં અધિકારીઓના નબળા સુપર વીઝન ના બોલતા પુરાવા છાશવારે પ્રકાશમાં આવે છે. પાલિકાના વ્હિકલ ડિપાર્ટમેન્ટમાં ગેરરીતી અને પેટ્રોલ ડીઝલની ફરિયાદો ઉઠતી રહે છે. એવામાં વ્હીકલ વિભાગ તરફથી ઢોર પાર્ટીને ફાળવવામાં આવતા વાહનમાંથી ડીઝલ કાઢતા વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિ વાહનમાંથી ડીઝલ કારબામાં પાઇપથી ડીઝલ કાઢતો દેખાય છે. કારબામાં ડીઝલ ભર્યા બાદ આ વ્યક્તિ કારબો થેલામાં મુકી દે છે.
આ સમગ્ર પ્રકરણ અંગે અમે વ્હીકલ પુલના મુખ્ય અધિકારી ધર્મેશ રાણાને પૂછતાં તેમણે અન્ય અધિકારીને પૂછવાનું જણાવ્યું હતું. વ્હીકલ પુલ છાશવારે વિવાદમાં આવે છે ત્યારે અધિકારીઓના ઉડાઉ જવાબો કેટલા યોગ્ય છે ? અધિકારીઓના નબળા સુપરવિઝનનો આ બોલતો પુરાવો નથી ? પાલિકાના રેઢીયાળ તંત્રના પાપે ગેરરીતિઓ ઘર કરી ગઈ છે ત્યારે તપાસ કરી અધિકારીઓ સામે પગલાં લેવાશે કે નહીં એ જોવું રહ્યું..